Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

લવ જેહાદ કેસ : હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમે ફગાવી દીધો

સુપ્રીમ કોર્ટે હાદિયાના લગ્નને યોગ્ય ઠેરવ્યા : હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાદિયા પતિ શફી સાથે રહી શકે છે : સુપ્રીમના ચુકાદાથી પિતા અશોકન નારાજ

નવી દિલ્હી,તા. ૮ : કેરળના લવ જેહાદ મામલામાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો હતો અને હાદિયા ઉર્ફે અખિલા અશોકનના નિકાહને ફરીથી યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના એવા આદેશને પણ ફગાવી દીધો છે જેમાં લગ્નની કાયદેસરતાને રદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હાદિયા હવે પોતાના પતિ શફીની સાથે રહી શકે છે. બીજી બાજુ કોર્ટે કહ્યું છે કે, એનઆઈએ આ મામલામાં સપાટી ઉપર આવેલા પાસાઓમાં તપાસ કરી શકે છે. કોર્ટની બહાર શફીના વકીલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હાદિયાને સ્વતંત્રતા મળી ગઇ છે. લવ જેહાદ કેસને લઇને ભારે હોબાળો મચેલો હતો. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ લગ્નને યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ફગાવતા કહ્યું હતું કે, હાદિયાના લગ્નને રદ કરવાનો ચુકાદો સંપૂર્ણપણે ખોટો ચુકાદો હતો. હાદિયા પોતાના અભ્યાસને જારી રાખી શકે છે અને જે ઇચ્છે તે કરી શકે છે. અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે હાદિયાએ મુસ્લિમ ધર્મ સ્વીકાર કરીને શફી નામના શખ્સ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ યુવતીના પિતા અશોકને આ મામલાને પડકાર ફેંકીને સુપ્રીમમાં રજૂઆત કરી હતી. કેરળ હાઈકોર્ટે આને લવ જેહાદનો મામલો ગણીને લગ્નને રદ કરી દીધા હતા ત્યારબાદ હાદિયાના પતિ શફીએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તમિળનાડુના સલેમ સ્થિત હોમિયોપેથિક કોલેજમાં પોતાના શિક્ષણને આગળ વધારવા હાદિયાને મંજુરી આપી હતી અને કહ્યું હતું કે, હાદિયા કોઇપણ કસ્ટડીમાં રહી શકે નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એનઆઈએને પણ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, હાદિયા સગીરા છે અને પોતાની ઇચ્છાથી લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે જેથી એનઆઈએ લગ્નની કાયદેસરતાની તપાસ કરી શકે નહીં.

ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે, જો યુવક યુવતી કહે છે કે તેમના લગ્ન થયા છે તો તેમાં તપાસ થઇ શકે નહીં. જો કે, કોર્ટે લવ જેહાદના મામલા પર એનઆઈએની તપાસના આદેશ પરત લેવા અંગે કોઇ વાત કરી ન હતી. દરમિયાન હાદિયાના પિતા અશોકને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે ફેરવિચારણા અરજી કરશે. હાદિયાની મુસ્લિમ શખ્સ શફી સાથે લગ્નને લઇને વિવાદ થયેલો છે. અશોકને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં ફરીવાર રજૂઆત કરશે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવશે. અશોકનનું કહેવું છે કે, આ એક પ્રકારની સમજૂતિ છે અને તેની પાછળ કાવતરા છે. આમા કોઇ શંકા નથી. તેઓ પોતાના વલણથી સુપ્રીમ કોર્ટને વાકેફ કરવાના પ્રયાસો કરશે. અશોકને સુપ્રીમ કોર્ટ તરફથી એનઆઈએને આ મામલામાં તપાસ કરવાની મંજુરી આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં એનઆઈએની તપાસને રદ કરી નથી. અશોકને કહ્યું છે કે, પુત્રીને કોઇ અતિવાદી શખ્સની સાથે મોકલવાની બાબત દુખ છે. એક પિતા માટે આ ખુબ જ કષ્ટદાયક બાબત છે. તેઓ પોતાની પીડાને શબ્દોમાં રજૂ કરી શકે તેમ નથી.

(7:37 pm IST)
  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST