Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મંદી પર બ્રેક : સેંસેક્સમાં ૬૫ પોઇન્ટનો સુધાર થયો

શરૂઆતમાં સેંસેક્સ ૩૩૦૯૮ની સપાટી પર રહ્યો : નિફ્ટી ૧૦૧૫૨ની સપાટી પર : શરૂઆતી કારોબારમાં રેંજ આધારિત કારોબાર : વેપારીઓ હજુ પણ દિશાહીન

મુંબઇ,તા. ૮ : શેરબજારમાં આજે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી મંદી પર બ્રેક મુકાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ ૬૫ પોઇન્ટ સુધરીને ૩૩૦૯૮ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફ્લેટ રહીને ૧૦૧૫૨ની સપાટી પર રહ્યો હતો. અમેરિકી બજારમાં ઘટાડો થયો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૮૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૪૮૦૧ રહી હતી. જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૧.૩૨ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો અને તેની સપાટી ૨૭૨૬ની સપાટી પર રહી હતી. નાસ્ડેક કમ્પોઝિટમાં ૨૪ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. જેથી તેની સપાટી ૭૩૯૭ રહી હતી.કારોબારી હાલમાં દિશાહીન દેખાઇ રહ્યા છે.  ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે એસએન્ડપી બીએસઇ સેંસેક્સ ૨૮૪ પોઇન્ટ ઘટીને ૩૩૦૩૩ની નીચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૧૫૪ની નીચી સપાટી પર રહ્યો હતો. હાલમાં શેરબજારમાં ભારે અફડાતફડીનો દોર જારી રહ્યો હતો.  છેલ્લા પાંચ કારોબારી સેશનમાં મૂડીરોકાણકારોએ ૪.૩૦ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા  હતા. ગઇકાલે મંગળવારના દિવસે ૧.૫૪ લાખ કરોડ રૂપિયા કારોબારીઓએ ગુમાવી દીધા હતા.બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી મંગળવારના દિવસે કારોબારના અંતે ઘટીને ૧૪૪૨૦૬૦૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જે  સોમવારે ૧૪૫૭૫૦૫૪.૨૩ રહી હતી. એકંદરે છેલ્લા છ કારોબારી સેશનમાં ઇન્ડેક્સમાં ૧૪૧૩ પોઇન્ટનો ઘટાડો થયા બાદ હવે રિક્વરી થઇ છે.   ગયા બુધવારના દિવસે જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.

(12:56 pm IST)