Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

જાણો છો? વસ્તુના ભાવ રૂ. ૯૯, ૨૯૯, ૪૯૯, ૯૯૯ શા માટે રાખવામાં આવે છે?

શા માટે ૧ રૂપિયો ઓછો લેવાય છે?

નવી દિલ્હી તા. ૮ : જયારે તમે કોઇ મોલ અથવા માર્કેટમાં જાવ છો તો ત્યાં મૂકેલી વસ્તુઓની કિંમત કંઇક આવા પ્રકારની હોય છે. જેમ કે ૯૯, ૨૯૯, ૪૯૯ અને ૯૯૯ વગેરે. આ પ્રાઇઝ ટેગ જોઇને શું તમને મનમાં એવો પ્રશ્ન ઊઠ્યો છે કે મોટાભાગની વસ્તુઓની કિંમત ૧ રૂપિયો જ ઓછી કેમ હોય છે? આજે અમે તમને જણાવીશું આ પ્રકારની કિંમત રાખવા પાછળનું કારણ.

 

એકસપર્ટના જણાવ્યા અનુસાર તેની પાછળ ૨ કારણો રહે છે. પહેલું કારણ છે સાઈકોલોજિકલ માર્કેટિંગ સ્ટ્રેટેજી. મનોવૈજ્ઞાનિક રીતે આ પ્રકારની પ્રાઈઝ ટેગ રાખવાથી ગ્રાહક એ વસ્તુ ખરીદવા માટે આકર્ષિત થાય છે. વસ્તુની કિંમત એક રૂપિયો ઓછી નક્કી કરવી એ સાઇકોલોજિકલ માર્કેટિંગનું સમજી વિચારેલી સ્ટ્રેટેજી હોય છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો એક મોલમાં તમે શોપિંગ કરી રહ્યા છો અને તમારે એક જીન્સ લેવું છે અને એની પર કિંમત લખી છે ૪૯૯ તો એક વખત તો તમે એને ૫૦૦ સમજીને જ ખરીદશો. પરંતુ એ વાત પણ સાચી છે કે ઘણા ગ્રાહક એવા પણ હોય છે કે જે માત્ર વસ્તુની આગળની કિંમત જ જોવે છે જેમ કે ૪૯૯ લખેલા હોય છે. તો એ ૪૦૦ રૂપિયા માનીને ખરીદે છે. પરંતુ તેમ છતાં એને રૂપિયા ૪૯૯ જ આપવાના હોય છે. આ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાની રીત છે.

એક રૂપિયો ઓછો રાખવાનું બીજું કારણ. કોઇ પણ વસ્તુ પાછળ એક રૂપિયો ઓછી રાખવાથી સેલરનો જ ફાયદો થાય છે. તમે એક રૂપિયો વિચારીને છોડી દો છો, પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે આ એક રૂપિયા પાછળ સેલર કેટલો ફાયદો થાય છે. ઘણી વખત આપણે એવું વિચારીને એક રૂપિયો લેતા નથી કે આટલી મોટી જગ્યા પરથી સામાન ખરીદી રહ્યા છીએને એક રૂપિયા માટે કાઉન્ટર પર ઉભા રહીએ. એટલા માટે આપણે કાઉન્ટર પર રહેલા વ્યકિતને કહી દઈએ છીએ કે તમે રાખી. તો કયારેક કાઉન્ટર વાળો વ્યકિત ૧ રૂપિયાની જગ્યાએ કોઈ સામાન્ય ચોકલેટ આપે છે. જેમાં પણ વેપારીને જ ફાયદો થાય છે. ૧૦૦ ચોકલેટની બેગ ૩૦ થી ૪૦ રૂપિયાની આવે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ કંપનીના ભારતમાં ૧૫૦ આઉટલેટ છે અને દરેક આઉટલેટ પર એવરેજ ૧૦૦ ગ્રાહકો એક રૂપિયો લેતા નથી. તો ૩૬૫ દિવસોમાં ૧૫૦*૧૦૦*૩૬૫=૫૪,૭૫૦,૦૦ એટલે કે ૫૪ લાખ રૂપિયાનો ફાયદો કંપનીને.

(10:03 am IST)