Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

કેરળમાં ટ્રાન્‍સજેન્‍ડર કપલે બાળકને જન્‍મ આપ્‍યો

યુગલનો બાળકની જાતિ જાહેર કરવાનો ઇનકાર

નવી દિલ્‍હી,તા. ૯ : કેરળના એક ટ્રાન્‍સજેન્‍ડર દંપતી જેણે તાજેતરમાં જ તેમની ગર્ભાસ્‍થાની જાહેરાત કરી હતી તેણે ગઇ કાલે સરકારી હોસ્‍પિટલમાં એક બાળકને જન્‍મ આપ્‍યો હતો. દેશમાં આ પ્રકારનો પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે. ટ્રાન્‍સપાર્ટનર્સમાંથી એક ઝિયા પાવલે જણાવ્‍યું હતું કે અહીંની સરકારી મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં સિઝેરિયન ઓપરેશન દ્વારા સવારે ૯:૩૦ વાગ્‍યે બાળકનો જન્‍મ થયો હતો. પાવલેએ કહ્યુ કે બાળકને જન્‍મ આપનાર તેના પાર્ટનર ઝાહદ અને બાળક બંને તબિયત સારી છે.

જો કે, ટ્રાન્‍સ દંપતીએ પોતાના નવજાત શિશુના લિંગની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝિયા પાવલે તાજેતરમાં જ ઇન્‍સ્‍ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે ઝાહદને આઠ મહિનાનો ગર્ભ છે. દંપતીએ કહ્યું કે માતા અને પિતા બનવાનું તેમનું સપનું સાકાર થયું છે. પાવેલ અને ઝાહદ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે. પાવલેએ એક ઇન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટમાં કહ્યું કે મા અને તેના પિતા બનવાનું મારૂં સપનું સાકાર થવાનું છે. અમને જાણવા મળ્‍યું છે કે ભારતમાં ટ્રાન્‍સજેન્‍ડર વ્‍યકિતની ગર્ભાવસ્‍થાનો આ પહેલો કિસ્‍સો છે. ઉલ્લેખનીય છે કે આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે. અને પોતાના લિંગ બદલવા માટે હોર્મોન થેરાપી કરાવી રહ્યા હતા. જો કે ઝાહદ પુરૂષ બનવાનો હતો પરંતુ બાળકની ઇચ્‍છાને લીધે આ પ્રક્રિયા બંધ કરી દીધી હતી. પાવલે કહ્યું કે ટ્રાન્‍સજેન્‍ડર સમુદાય સમાજમાં સતત ભય હેઠળ જીવે છે. સમાજ શું વિચારશે તેની અમને બધા ચિંતા હતી. એવા ઘણા ટ્રાન્‍સજેન્‍ડર લોકો છે જેઓ માતા-પિતા બનવા માંગે છે. ઘણા ટ્રાન્‍સજેન્‍ડર લોકો છે જેમની ગર્ભાવસ્‍થા શકય છે, પરંતુ તેઓ શરમ કે સામાજિક કારણોસર પોતાની ઇચ્‍છા પુરી કરી શકતા નથી.

(11:48 am IST)