Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાજસ્થાન : ગુર્જર આંદોલન બીજા દિવસે પણ ચાલુ : ૧૪ જિલ્લામાં હાઇએલર્ટ

રેલવે ટ્રેક પર દેખાવકારો જમા થયા : ૭ ટ્રેનોના રૂટ બદલાયા

જયપુર,તા. ૯ : રાજસ્થાનમાં બીજા દિવસે પણ ગુર્જર આંદોલન જારી રહેતા  તેની માઠી અસર ટ્રેન સેવા પર થઇ છે. તેમજ આ આંદોલનના પગલે ૧૪ જિલ્લામાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. દેખાવકારો રેલવે ટ્રેક પર ગોઠવાઇ ગયા છે. ગુર્જર નેતા કિરોડી સિંહ બેનસલા પોતાના સમર્થકોની સાથે રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં ટ્રેનના પાટા પર બેઠા છે.

 તેમણે કહ્યુ હતુ કે ગુર્જર સમુદાયની માંગને પૂર્ણ કરવાની બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન અશોક ગહેલોત માટે વધારે મુશ્કેલ નથી. બેનસલાએ આ વખતે થઇ રહેલા આંદોલનને આરપારની લડાઇ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. ટ્રેક પર જારી પ્રદર્શનના કારણે અનેક ટ્રેનોની સેવાને માઠી અસર થઇ છે. તેમણે કહ્યુ હતુ કે અમારી પાસે સારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાન છે. અમે ઇચ્છીએ છીએ કે ગુર્જર સમુદાયની માંગને પૂર્ણ કરવામાં આવે. તેમની માટે અનામત માટેની માંગ પૂર્ણ કરવાની માંગ અયોગ્ય નથી.

રાજ્ય સરકાર તેમના વચનને વે પાળે તે જરૂરી છે. પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની સાત ટ્રેનોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે. એક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે.

દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસના સુત્રોએ કહ્યુ છે કે ગુર્જર નેતાઓની સાથે વાતચીત કરવા માટે એક સમિતીની રચના કરવામાં આવી છે.ગુર્જરોનુ આંદોલન છેલ્લા ૧૪ વર્ષથી ચાલી રહ્યુ છે. આજે ફરી આંદોલને ગતિ પકડી લીધી છે. શુક્રવારના દિવસે  તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આજે પણ દેખાવો જારી રહ્યા હતા.

 

(2:33 pm IST)