Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગુજરાતમાં EVM-VVPATનાં ટેસ્ટીંગનું કામ પૂર્ણ

ગુજરાત ચૂંટણી પંચે શરૂ કરી ચૂંટણીની તૈયારીઃ નવા સુધારેલા ફીચર્સ સાથેના ૫૦,૦૦૦ નવા VVPAT અને ૬૭૦૦૦ નવા EVM મશીનોનો ઉપયોગ કરાશે ચૂંટણીમાં

નવી દિલ્હી તા. ૯ : ઇલેકટ્રોનીક વોટીંગ મશીન (ઇવીએમ)ના વિરોધ પક્ષો દ્વારા સતત થઇ રહેલા વિરોધ વચ્ચે ચુંટણી પંચે જાહેર કર્યું છે કે, ગુજરાતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોના ટેસ્ટીંગનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. ચુંટણી માટે ઇવીએમ અને વીવીપેટના થર્ડ જનરેશન મશીનો વપરાવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ અનુસાર ગુજરાતમાં વપરાનાર ઉપકરણોમાંથી ૭૪ ટકાનું ટેસ્ટીંગ અત્યાર સુધી પૂર્ણ થયું છે.

લોકસભા ચૂંટણી માટે ૫૦૦૦૦ વીવીપેટ અને ૬૭૦૦૦ ઇવીએમ મશીનો નવા ખરીદવામાં આવશે. આ મશીનો ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લીમીટેડ (ભેલ) દ્વારા તૈયાર કરાયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કહ્યું 'ચુંટણી પહેલાની પ્રોસીજર અને પ્રોટોકોલના ભાગરૂપે ૭૪ ટકા મશીનોનું ટેસ્ટીંગ સંપૂર્ણ થઇ ગયું છે.'

સૂત્રો અનુસાર, આ નવા મશીનો ટેમ્પર પ્રુફ છે અને તેમાં સેલ્ફ ડાયગ્નોસીસ ઓફ એરર, બેટરી લાઇફનું પ્રીડીકશન, ડીજીટલ સર્ટીફીકેશન એન્ડ ઓથેન્ટીકેશન જેવી સવલતો છે. આની પહેલાના મશીનો જેવી કોમ્પેબીલીટીમાં તકલીફ નહીં થાય. ઉપરાંત જો તેની સાથે જોડાયેલી ડીવાઇસ બદલાશે તો તે કામ નહીં કરે અને સંપૂર્ણ ઓથેન્ટીકેશન ફરીથી કરવું પડશે.

ઘણા બધા વિરોધપક્ષોએ ઇવીએમની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉભા કરીને મતપેટીથી મતદાનની માંગણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે, આ મશીનોમાં ઘાલમેલ થઇ શકે છે. આ આક્ષેપોને ભાજપા દ્વારા ગપગોળા કહેવામાં આવ્યા હતા.

દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ મતપેટીઓ તરફ જવાની શકયતા નકારી કાઢતા કહ્યું કે, ઇવીએમ મશીનોને ફુલપ્રુફ બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેમણે કહ્યું કે, આ મશીનો હાઇલી સિકયોર્ડ કંપનીઓમાં ઉત્પન્ન કરાય છે. તેનું સુપરવિઝન ટેકનીકલ એક્ષપર્ટ પેનલ દ્વારા કરવામાં આવે છે. તેમણે ઉમેરતા કહ્યું કે, હમણાં જ થયેલ રાજ્યોની ચુંટણીમાં સફળતાપૂર્વક વપરાયેલ વીવીપેટ મશીનો આગામી લોકસભા ચુંટણીમાં દેશભરમાં વાપરવામાં આવશે.(૨૧.૧૦)

(10:53 am IST)