Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાફેલ મામલે સરકારે સુપ્રિમને પણ અંધારામાં રાખી હોવાનો ધડાકો

'ધ હિન્દુ'નો સનસનીખેજ રીપોર્ટઃ મોદી સરકારે હજારો કરોડના સંરક્ષણ સોદામાં પીએમઓની ભૂમિકા અંગે સુપ્રિમ કોર્ટમાં વાત છૂપાવીઃ જ્યારે સંરક્ષણ સોદામાં આઈએનટી વાતચીત કરી રહી હતી તો પીએમઓનો ચંચુપાત અનેક સવાલો ઉભા કરે છેઃ સુપ્રિમ કોર્ટમાં સરકાર સંરક્ષણ મંત્રાલય દ્વારા સમાનાંતર ઉઠાવવામાં આવેલા સવાલો પર સંપૂર્ણ રીતે ખામોશ રહી હોવાનો આરોપઃ એટલુ જ નહિ સરકાર ડીલમાં ગોલમાલ હોવાની બાબતમાં સોવેરીયન ગેરંટી આપવાની બાબતમાં પણ મૌન રહી હતી

નવી દિલ્હી, તા. ૯ :. રાફેલ વિમાન સોદાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. 'ધ હિન્દુ' માં વરિષ્ઠ પત્રકાર એન.રામ દ્વારા લખવામાં આવેલા લેખ અને તે પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રહારોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ દરમિયાન આજે ફરી એક વખત ધ હિન્દુમાં રીપોર્ટ છપાયો છે જેમા જણાવાયુ છે કે, રાફેલ વિવાદ પર સરકારે સુપ્રિમ કોર્ટમાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા 'સમાંતર વાતચીત'ની માહિતી છુપાવી હતી એટલે કે આપી નહોતી. અત્રે નોંધનીય છે કે, એન.રામે પોતાના આર્ટીકલમાં સંરક્ષણ મંત્રાલયની એ નોંધનો હવાલો આપ્યો હતો જેમા પીએમઓ અને ફ્રાન્સ સંરક્ષણ મંત્રીના કુટનીતિક સલાહકારની વચ્ચે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી પર વાતચીત થઈ હતી. જ્યારે આ દરમિયાન સોદા માટે રચવામાં આવેલી ઈન્ડીયન નેગોશીયેટીંગ ટીમ એટલે કે આઈએનટી વિમાનના ભાવ અંગે વાતચીત કરતી હતી.

સુપ્રિમ કોર્ટમાં સરકાર સંરક્ષણ મંત્રાલય દ્વારા સમાનાંતર ઉઠાવવામાં આવેલા સવાલો પર સંપૂર્ણ રીતે ખામોશ રહી હતી. એટલુ જ નહિ સરકાર ડીલમાં ગોલમાલ હોવાની બાબતમાં સુવેરીયન ગેરેંટી અંગે પણ ખામોશ રહી હતી. હકીકતમાં ભારત સરકારે રાફેલ કરારને લઈને સમગ્ર જવાબદારી આઈએનટી પર છોડી રાખી હતી. નોંધમાં આ બાબતને સારી રીતે રેખાંકીત કરવામાં આવી હતી કે સોદામાં વાતચીત કરનાર ટીમ એટલે કે આઈએનટીએ દસો સાથે ડીલમાં મોલ ભાવ સારા કર્યા હતા. વિમાનોની કિંમતને લઈને તેની ડીલેવરી અને જાળવણીને લઈને પણ વાતચીત સારા સ્તર પર હતી. જો કે નોંધમાં આઈએનટી દ્વારા ડીલના સંદર્ભમાં વિસ્તૃત માહિતી નહોતી અપાઈ. જેમાં જણાવાયુ હતુ કે, ફ્રાન્સ સાથે આઈએનટીએ મે ૨૦૧૫માં ચર્ચા શરૂ કરી હતી અને એપ્રિલ ૨૦૧૬માં પુરી કરી હતી. સોદાને લઈને આઈએનટીએ કુલ ૭૪ બેઠકો કરી હતી. એવામાં જ્યારે સંરક્ષણ સોદામાં આઈએનટી વાતચીત કરી હતી ત્યારે પીએમઓનો ચંચુપાત અનેક સવાલો ઉભા કરે છે કારણ કે વાતચીત સંરક્ષણ સોદાની સૌથી મોટી ઓથોરીટી ડીએસી એટલે કે ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ દ્વારા કરવામાં આવતી હતી અને તેના વડા સંરક્ષણ મંત્રી હોય છે કે નહિ કે વડાપ્રધાન કાર્યાલય.

ડીએસીના દિશા નિર્દેશો અનુસાર આઈએનટીએ ડીલના સંદર્ભમાં વાતચીતમાં આગળ વધારી હતી. મોલ ભાવ દરમિયાન સોદા નક્કી કરતી ભારતીય ટીમે દરેક બાબતનું ધ્યાન રાખ્યુ હતું. આઈએનટીએ ૩૬ રાફેલ વિમાનોની જાળવણીને લઈને ડીએસી સમક્ષ ત્રણ વખત પ્રપોઝલ રજુ કરી હતી. આ પ્રપોઝલમાં સોદાની તમામ શરતો અને બિંદુઓને સામેલ કરવામાં આવ્યા હતા. આઈએનટીએ ડીએસીને પ્રથમ પ્રપોઝલ ૧લી સપ્ટેમ્બર ૨૦૧૫ અને તે પછી ૧૧ જાન્યુઆરી ૨૦૧૬માં મોકલી હતી. આખરમાં ૪ ઓગષ્ટ ૨૦૧૬ના રોજ આઈએનટીના રીપોર્ટને આખરે સંરક્ષણ મામલાની કેબીનેટ સમિતીએ લીલીઝંડી આપી દીધી હતી.(૨-૫)

(10:52 am IST)