Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 'શાંતિદૂત' બની શકે છે પીએમ મોદી

જેરૂસલેમ તા. ૯ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પેલેસ્ટાઈન પ્રવાસ પહેલાં ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂતે આશા વ્યકત કરી છે કે, પેલેસ્ટાઈ સાથેનો ભારતનો પહેલાનો વ્યવહાર યથાવત રહેશે. વધુમાં પેલેસ્ટાઈનના રાજદૂતે જણાવ્યું કે, પીએમ મોદી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિદૂત બની શકે છે.મહત્વનું છે કે, અમેરિકા દ્વારા જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરાયા બાદ હવે પેલેસ્ટાઈનને ભારત પાસેથી અપેક્ષા છે કે, ભારત તેની મદદ કરશે.ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબૂ અલહાઈજાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અમેરિકાએ પક્ષપાતભર્યું વલણ અપનાવ્યું છે. જેથી પેલેસ્ટાઈનના લોકો ઈચ્છે છે કે, સંયુકત રાષ્ટ્ર સાથે કોઈ નવી સંસ્થા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે મધ્યસ્થતા કરે. ભારત સહિત અન્ય દેશો માટે એ યોગ્ય રહેશે કે, પેલેસ્ટાઈન આંદોલનમાં કોઈ વાસ્તવિક સમાધાન લાવવામાં મદદ કરે.અદનાન અબૂ અલહાઈજાએ કહ્યું કે, પેલેસ્ટાઈનમાં શાંતિ સ્થાપિત કરવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અલહાઈજાએ કહ્યું કે, પીએમ મોદીના બન્ને દેશો સાથે મહત્વપૂર્ણ સંબંધો છે. જેથી હું માનું છું કે, આ મામલામાં પીએમ મોદી યોગ્ય ભૂમિકા ભજવી શકે છે. ઉપરાંત ભારતને પેલેસ્ટાઈન આંદોલનના ઈતિહાસની યોગ્ય જાણકારી પણ છે.અલહાઈજાએ કહ્યું કે, ભારતે ઈઝરાયલ અને પેલેસ્ટાઈના સંબંધો વચ્ચે સંતુલન બનાવવા પ્રયાસ કર્યો છે. બન્ને દેશો સાથે સમાન સંબંધો રાખવાની પીએમ મોદીની નીતિને પેલેસ્ટાઈનમાં સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.(૨૧.૨૪)

 

(4:21 pm IST)