Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

16 મીથી દેશભરમાં કોરોના વેક્સીન અભિયાન શરુ : વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક બાદ તારીખ નક્કી

લગભગ 3 કરોડ હેલ્થ કેર વર્કસ અને ફ્રંટલાઇન વર્કસને પ્રાથમિકતા અપાશે : એક બૂથ પર દરેક સત્રમાં 100થી 200 લોકોને રસી આપવામાં આવશે

નવી દિલ્હી : કોરોના વાયરસની વેક્સીન ક્યારથી આપવામાં આવશે? આ સવાલનો જવાબ અંતે સરકારે આપી દીધો છે. સરકારે જણાવ્યુ છે કે 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનું કામ શરૂ થઇ જશે. આ સિવાય ફરી એક વખત જણાવ્યુ છે કે સૌથી પહેલા કોણે વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. આ પહેલા જણાવવામાં આવ્યુ હતું કે વેક્સીનની મંજૂરી મળવાના 10 દિવસની અંદર વેક્સીનેશન શરૂ થઇ જશે પરંતુ હવે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે

   કેન્દ્ર સરકારના નિવેદન મુજબ હવે 14 જાન્યુઆરી નહી પણ 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની શરૂઆત થશે. સૌથી પહેલા હેલ્થ કેર વર્કસ અને ફ્રંટલાઇન વર્કસને પ્રાથમિકતા આપવામાં આવશે. જે લગભગ 3 કરોડ છે. તે બાદ 50 વર્ષની ઉંમરથી વધુ અને તે લોકો જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને તે કોઇ બીમારીથી પીડિત છે, તેમણે વેક્સીન આપવામાં આવશે. આવા લોકોની કુલ સંખ્યા આશરે 27 કરોડ છે

વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સીનેશનને લઇને સમીક્ષા બેઠક કરી હતી. જે બાદ વેક્સીનેશન શરૂ કરવાની તારીખ પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા મોટા અધિકારી સામેલ થયા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ દેશભરમાં કોરોનાની રસીની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે Co-Win વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ વિશે જાણકારી મેળવી હતી.

Co-Winથી કોરોનાની રસીની રિયલ ટાઇમ નજર, વેક્સીનના સ્ટોક્સ સાથે જોડાયેલી સૂચનાઓ, તેમણે સ્ટોર કરવા માટે તાપમાન અને જે લોકોને વેક્સીન આપવાની છે, તેમણે ટ્રેક કરવા જેવા કામ હશે. અત્યાર સુધી 79 લાખથી વધુ લાભાર્થીઓએ Co-Win પર રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વડાપ્રધાનને દેશભરમાં આયોજિત કરવામાં આવેલા ત્રણ તબક્કામાં ડ્રાઇ રનથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

દેશમાં અત્યાર સુધી ત્રણ તબક્કામાં ડ્રાઇ રન ચલાવવામાં આવી ચુક્યુ છે. સૌથી પહેલા 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યમાં બે દિવસ માટે ડ્રાઇ રનનું આયોજન કરવામાં આવ્યુ હતું. તે બાદ 2 જાન્યુઆરીએ તમામ રાજ્યમાં ડ્રાઇ રન યોજવામાં આવ્યુ હતું.

 ભારત સરકારે સીરમ ઇંસ્ટીટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. વેક્સીનને મંજૂરી મળ્યા બાદથી લોકો રસીના અભિયાનની શરૂઆતની રાહ જોઇ રહ્યા હતા.

– એક બૂથ પર દરેક સત્રમાં 100થી 200 લોકોને રસી આપવામાં આવશે, તેમની પર 30 મિનિટ સુધી નજર રાખવામાં આવશે જેનાથી રિએક્શન જોઇ શકાય. બીજી તરફ રસીના કેન્દ્ર પર એક વખત એક જ વ્યક્તિને રસી આપવામાં આવશે. કોવિન એપમાં પહેલાથી રજિસ્ટર લોકોને જ રસી આપવામાં આવશે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન નહી થાય.

 

દેશમાં મહામારી કોરોના વાયરસથી અત્યાર સુધી 1.50 લાખ લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ 1 કરોડ 4 લાખથી વધુ દેશમાં કુલ કેસ છે. જેમાંથી 2 લાખ 21 હજાર એક્ટિવ કેસ છે અને 1 કરોડથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

(7:07 pm IST)