Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા ૨૭ ટકા વધી

લંડનમાં કોરોના બેકાબુઃ દર ૩૦માંથી ૧ વ્યકિત સંક્રમિતઃ શહેરના મેયર ચિંતામાં

લંડનના મેયરે વડાપ્રધાનને પત્ર લખીને ભયાનક હાલતની કરી જાણ

લંડન, તા.૯: યુકેમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યા પછીથી હાલત બહુ જ ભયાનક થતી જાય છે. લંડનના મેયર સાદિક ખાને શુક્રવારે વર્તમાન સ્થિતીને મેજર ઇન્સીડન્ટ ગણાવી હતી. એટલું જ નહીં તેમણે અહીંની હોસ્પિટલોને ચેતવી છે કે જો આવી જ પરિસ્થિતી રહી તો હોસ્પિટલમાં અચાનક ભીડ વધી શકે છે.

મેયરે સેન્ટ્રલ યુકે સરકાર પાસે મદદની માંગણી કરતા કહ્યું કે આગામી થોડા દિવસોમાં કોરોના વાયરસનું વધારે ભયાનકરૂપ જોવા મળી શકે છે અને હોસ્પિટલોમાં બેડની ભારે અછત ઉભી થઇ શકે છે. મેયર સાદિક ખાને એક ટવીટમાં જણાવ્યું છે કે આ શહેરની સ્થિતી ક્રાઇસીસ પોઇંટ પર પહોંચી ગઇ છે, જો નેશનલ હેલ્થ સર્વિસ પર તાત્કાલિક ધ્યાન નહીં અપાય તો અહીં હજુ પણ વધારે મોત થઇ શકે છે.

સાદિકખાને પરિસ્થિતીની ભયાનકતા અંગે ઉલ્લેખ કરતા કહ્યું કે અહીં લગભગ દર ૩૦માંથી એક વ્યકિત સંક્રમિત થઇ ગયો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ૨૭ જેટલી વધી છે, જયારે વેન્ટીલેટર પર રખાયેલ દર્દીઓની સંખ્યા ૪૨ ટકા વધી ગઇ છે. તેમણે વડાપ્રધાન બોરીસ જોનસનને પત્ર લખીને તેમને વર્તમાન પરિસ્થિતીની જાણ કરી છે. તેમણે વડાપ્રધાન પાસે મોટી આર્થિક મદદ ઉપરાંત ધાર્મિક સ્થળોને તાત્કાલિક બંધ કરવા અને ઘેરથી બહાર નીકળનાર માટે માસ્ક ફરજીયાત બનાવવા અપિલ કરી છે.

મેયરે અહીંના લોકોને અપિલ કરી છે કે તેઓ કોઇપણ ભોગે ઘરમાં જ રહે અને બહુ જ જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળે. તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે ઘરમાં રહીને પોતાના પરિવાર, લંડનના લોકો અને આરોગ્ય સેવાને બચાવવામાં મદદ કરે.

(1:05 pm IST)