Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં કડાકો

એમસીએક્સ પર ડિલિવરી બે સોનુ સતત ઘટીને 2,002 રૂપિયાના ઘટાડા સાથે 48,902 સુધી ગગડ્યું

નવી દિલ્હી : શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે રૂ 614 ઘટીને 10 ગ્રામના રૂ. 49,763ના સ્તરે બંધ રહ્યો છે. ગુરુવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે સોનું 714 રૂપિયા સસ્તુ થઈ 10 ગ્રામ દીઠ 50,335 રૂપિયા નોંધાયું હતું. બુલિયન માર્કેટમાં શુક્રવારે ચાંદીના ભાવમાં પણ 1,609 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ભાવ કિલોદીઠ 67,518 રૂપિયા પર બંધ થયો છે. ગુરુવારે ચાંદીના ભાવમાં પણ રૂ 386નો ઘટાડો થયો છે. નિષ્ણાંતો અનુસાર ડોલરમાં તેજીને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

બુલિયન માર્કેટમાં ઘટાડાની વચ્ચે MCX પર પણ ડિલિવરીવાળા સોનામાં પણ નરમાશ જોવા મળી છે. શુક્રવારે સાંજે 6.10 વાગ્યે, ફેબ્રુઆરી ડિલિવરી માટેનું સોનું 732 રૂપિયા ઘટીને રૂ 50,172 પર 10 ગ્રામ હતું. જે રાતે 11.36એ વધુ ઘટયુ હતું, 3.36 ટકા નરમાશ સાથે 1,848 રૂપિયા ગગડીને 50 હજારની નીચે 49,056 ઉપર પહોંચ્યું હતું. રાતે 11.43 વાગ્યે 3.93 ટકા નીચે 2,002 રૂપિયાના ઘટાડા સાથે 48,902 ઉપર નોંધાયું હતું. આ અગાઉ એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ.734 ઘટી રૂ 50,206ના સ્તરે અને જૂન ડિલિવરી માટેનું સોનું રૂ. 555 ઘટી રૂ 50,421 પર બંધ થયું હતું.

(11:32 am IST)