Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રાજસ્થાનની ગેહલોત સરકાર વીઆઈપીઓ માટે 200 કરોડમાં બે વિમાનો ખરીદશે

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બે એવિએશન કંપનીઓને શોર્ટલિસ્ટ કરાઈ

જયપુર : રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર રાજ્યના વીઆઈપીઓ માટે 200 કરોડમાં બે વિમાન ખરીદશે  મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન આ માટે બે એવિએશન કંપનીઓને શોર્ટલિસ્ટ કરી લેવામાં આવી છે.

  રાજસ્થાન સરકારે રાજ્યના પ્રતિષ્ઠિત લોકો માટે મલ્ટી એન્જિન ટર્બોફેન એરોપ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકારે 15મી ઓક્ટોબર 2019ના રોજ વૈશ્વિક એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યું હતું. આ વિમાનો રાજ્યના પ્રતિષ્ઠિત લોકો અને સરકારી અધિકારીઓ માટે રાજ્યમાં પ્રવાસન વધારવા અને શાસકીય કાર્યો પૂર્ણ કરવા વપરાશે તેમાં ક્રૂ મેમ્બર ઉપરાંત 10 એક્ઝિક્યુટિવ ક્લબ સીટ હશે. વિમાનની ખરીદી માટે બનાવવામાં આવેલી કમિટિમાં રાજ્યના અધિકારીઓ ઉપરાંત ડીજીસીએના અધિકારીઓ પણ સામેલ હતા અને પાંચ કંપનીઓએ આ માટે પોતાનો રસ દાખવ્યો હતો.

 રાજ્યની ભૌગોલિક અને જળવાયુ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તથા તકનીકી અને સુરક્ષાના ધોરણોનું મૂલ્યાંકન કરીને બે કંપનીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિમાનોની ખરીદીની પ્રક્રિયા વસુંધરા રાજેની સરકારના સમયથી જ શરૂ થઈ ગઈ હતી અને તે સમયે 150થી 170 કરોડ રૂપિયાની કિંમતનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. હાલમાં રાજસ્થાન સરકાર પાસે સુપર કિંગ એર બી 200 (Beechcraft Super King Air B 200) અને કિંગ એર સી 90એ આ બે એરક્રાફ્ટ (Beechcraft King Air C90A) છે અને બંને 15 અને 30 વર્ષ જૂના હોવાથી તેમને બદલવાની જરૂર છે

(9:17 pm IST)