Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જેએનયુ હિંસા ઉપર ચર્ચામાં જુહી ચાવલા પણ ઉતરી ગઈ

કોઈ ચીજ તોડવામાં સમય લાગતો નથી : જુહી ચાવલા : દિપીકા પાદુકોણ, સોનાક્ષી સિંહા, સ્વરા ભાસ્કર બાદ હવે જુહી ચાવલાની ટિપ્પણી

નવીદિલ્હી, તા. ૯ : જેએનયુમાં વિદ્યાર્થીઓના આંદોલન અને નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં અને સમર્થનમાં ફિલ્મી હસ્તીઓના નિવેદન સપાટી ઉપર આવી રહ્યા છે. બોલીવુડની અભિનેત્રી જુહી ચાવલા પણ હવે મામલામાં આવી ગઈ છે. જેએનયુમાં હિંસક પ્રદર્શનને લઇને જુહી ચાવલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જુહીએ હિંસક પ્રદર્શનો ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે, ચીજોને તોડી પાડવામાં સમય લાગતો નથી પરંતુ જોડવામાં ખુબ સમય લાગે છે. દિપીકાના જેએનયુમાં વિદ્યાર્થી આંદોલનમાં સામેલ થવા અને અભિનેત્રી સોનાક્ષી તરફથી તેની પ્રશંસામાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ જુહી ચાવલાની ટિપ્પણીને મહત્વપૂર્ણ ગણવામાં આવ છે. જેએનયુમાં વિદ્યાર્થી આંદોલન અને નાગરિક સુધારા કાનૂનને લઇને વિપક્ષી દળો અને સરકાર ઉપરાંત સેલિબ્રિટીઓ પણ તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે, આના કારણે સેલિબ્રિટીઓની ચારેબાજુ ટિકા થઇ રહી છે.

             ભાજપ તરફથી આયોજિત ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે, અમે ૧૨૫ કરોડ ભારતીયો છે. તમામને સાથે રાખવાની એક મોટી જવાબદારી છે. દરેકની પાસેથી જવાબની અપેક્ષા રાખી શકાય નહીં. જેએનયુ પહોંચ્યા બાદ દિપીકાની સોશિયલ મિડિયા ઉપર વ્યાપક ટિકા થઇ રહી છે. એક વર્ગના લોકો બચાવમાં પણ આગળ આવી ગયા છે. આ પહેલા દિપીકાએ મંગળવારના દિવસે વિદ્યાર્થીઓ પ્રત્યે એકતા દર્શાવીને જેએનયુ સંકુલમાં પહોંચીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેએનયુમાં હિંસાને લઇને કલાકારોમાં સૌથી પહેલા સ્વરા ભાસ્કરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદથી બોલીવુડના કલાકારો એક પછી એક પ્રતિક્રિયા કરી રહ્યા છે.

             અનુરાગ કશ્યપ સુધારવામાં આવેલા નાગરિક કાનૂનના વિરોધમાં જોરદાર વિરોધ કરવા આગળ આવ્યા છે. વિક્રમાદિત્ય મોટવાનીએ દિપીકાની પ્રશંસા કરી છે. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે કહ્યું છે કે, અમે હવે મૌન રહીશું નહીં. આઈસીએ ફેસબુક ઉપર અભિનેત્રી સાથે વાતચીતના ફોટા જારી કર્યા છે અને કહ્યું છે કે, અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. દિપીકા પર અમને ગર્વ છે. બીજી બાજુ અભિનેત્રીઓના આવા વર્તનને લઇને કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના કેટલાક લોકો અને સંઘના લોકોનું કહેવું છે કે, દિપીકા દેશના ટુકડે ટુકડે ગેંગમાં સામેલ દેખાઈ રહ્યા છે.

(8:02 pm IST)