Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભારતને પ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા ઉપર ધ્યાન જરૂરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અર્થશાસ્ત્રી-નિષ્ણાતો સાથે બે કલાક ચર્ચા : ઉદ્યોગપતિઓની સાથે વાતચીત બાદ હવે નીતિ આયોગમાં અન્યો સાથે વાત કરી : અર્થતંત્રના તમામ પરિબળ મજબૂત

નવીદિલ્હી, તા. ૯ : ૨૦૨૦-૨૧ માટેના કેન્દ્રીય બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટોચના અર્થશાસ્ત્રીઓ અને જુદા જુદા સેક્ટરના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. નીતિ આયોગમાં નિષ્ણાતો સાથે આ બેઠક યોજાઈ હતી જેમાં અર્થતંત્રની સ્થિતિ પર ચર્ચા થઇ હતી. સાથે સાથે વિકાસમાં તેજી લાવવા માટે કયા પગલા લઇ શકાય છે તે વિષય ઉપર પણ વાતચીત કરી હતી. આ હાઇપ્રોફાઇલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, નીતિ આયોગના ઉપપ્રમુખ રાજીવ કુમાર, સીઈઓ અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના ચેરમેન વિવેક દેબેરોય પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સહિતના જુદા જુદા વિષયો ઉપર આમા ચર્ચા થઇ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે.

       સોમવારના દિવસે વડાપ્રધાને અર્થતંત્રની સામે રહેલા મુદ્દાઓ ઉપર ટોચના ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. રોજગારીને વધારવાના મુદ્દા ઉપર એ વખતે ચર્ચા થઇ હતી. આજની બેઠકમાં વડાપ્રધાને અર્થશાસ્ત્રીઓ અને સેક્ટર નિષ્ણાતો સાથે ચર્ચા વેળા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા પ્રયાસો કરવા ઉપર ચર્ચા કરી હતી. બજેટ ૨૦૨૦-૨૧ના પહેલા ઉદ્યોગ સાહસિકો સાથે પણ આ વાતચીત થઇ હતી. સફળ રહેલા ઉદ્યોગ સાહસિકો પણ આમા ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સૂચનની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ પોલિસી મેકર્સ અને સંબંધિતો વચ્ચે સંકલન જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. બજેટ પહેલાની કવાયતના ભાગરુપે નીતિ આયોગમાં આ બેઠક યોજાઈ હતી જે બેકલાક સુધી ચાલી હતી.

          અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા જુદા જુદા સૂચન આ બેઠકમાં કરવામાં આવ્યા હતા. આર્થિક વિકાસદર ૨૦૧૯-૨૦માં ઘટીને ૫ ટકા સુધી પહોંચી ગયો છે જે ૧૧ વર્ષની નીચી સપાટી દેખાઈ રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની બાબત કોઇ નવી નથી. દેશની મજબૂતીને સમજીને આ વાત કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં મૂળભૂત પરિબળો ખુબ મજબૂત દેખાઈ રહ્યા છે. ટ્યુરિઝમ, શહેરી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ આધારિત ઉદ્યોગ જેવા સેક્ટરોની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે.

             રોજગારની તક ઉભી કરવા માટે અને અર્થતંત્રને આગળ લઇ જવા માટે અનેક કુશળતા રહેલી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશમાં ખુબ સાનુકુળ માહોલ રહેલો છે. સમાજમાં પણ આવી જ ભાવના હોવી જોઇએ. ભારતમાં અમર્યાદિત તકો રહેલી છે. સંબંધિત લોકો વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે અંદરને દૂર કરી શકે છે. મોદીએ જુદા જુદા વિષયો ઉપર સુચન પણ કર્યા હતા. આ મિટિંગમાં નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા ન હતા. કારણ કે, તેઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટી વર્કરો સાથે બજેટ પહેલાની બેઠકમાં વ્યસ્ત રહ્યા હતા.

(7:58 pm IST)