Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બજારમાં તેજી માટેના કારણ

જુદા જુદા આશાસ્પદ સંજોગો, ક્રૂડની કિંમત ઘટી

મુંબઈ,તા. ૯ : શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ટળવાથી શેરબજાર ઝુમી ઉઠ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘર્ષને આગળ નહીં વધારીને શાંતિનો સંદેશ આપ્યા બાદ શેરબજારમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૩૫ પોઇન્ટ ઉછળીને ૪૧૪૫૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૯૧ પોઇન્ટ ઉછળીને ૧૨૨૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સ ૪૧૪૮૨ની ઉંચી સપાટી અને ૪૧૧૭૫ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં તેજી માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. કારણો નીચે મુજબ છે.

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ ટળ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, તેઓ ઇરાન સાથે શાંતિ ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઇરાકમાં અમેરિકી સેનાના લશ્કરી સ્થળો ઉપર મિસાઇલ હુમલા બાદ ઇરાને પોતાના હથિયારો મુકી દઈને કહ્યું છે કે, તે યુદ્ધ ઇચ્છતું નથી જેથી અમે પણ ઇરાનને શાંતિનો સંદેશ આપીએ છીએ. તેમણે કહ્યું હતું કે, તે ઇરાનને ક્યારે પણ પરમાણુ શક્તિ ધરાવતા દેશ તરીકે બનવાની તક આપીશું નહીં.

મિડકેપ શેરમાં રોકાણ

શેરબજારમાં સ્થિતિમાં સુધારો થવાની સાથે જ મૂડીરોકાણકારોએ બુધવારના દિવસે મિડકેપના શેરમાં જંગી રોકાણ કર્યું હતું. મિડકેપના શેરમાં ૧૩.૦૯ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરતા બજારમાં તેજી જામી હતી.

ક્રૂડની કિંમતમાં ઘટાડો

ક્રૂડની સાથે સાથે અન્ય તેલ કિંમતોમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ઇરાનની સાથે તંગદિલી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિની વાત કર્યા બાદ ક્રૂડની કિંમતમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં ચાર ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. આની સાથે જ બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૬૫.૪૪ ડોલર સુધી પહોંચી ગઈ છે. તેલની કિંમતોમાં ઘટાડો થતાં તેની હકારાત્મક અસર બજાર ઉપર થઇ હતી.

ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત

વૈશ્વિક તંગદિલીની વચ્ચે ગુરુવારના દિવસે કારોબારમાં ડોલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. ડોલરની સરખામણીમાં રૂપિયો ૦.૩૨ ટકા ઉછળીને ૭૧.૪૭ના સ્તર પર પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બનવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

ત્રિમાસિક ગાળાના પરિણામ

મૂડીરોકાણકારોને આશા છે કે, ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતીય ઉદ્યોગજગતમાં જોરદાર તેજી આવી શકે છે. ખાસ કરીને બેંકિંગ, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં દેખાવ ખુબ શાનદાર રહી શકે છે.

(7:56 pm IST)