Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વેપારી જીએસટી-૩બી રિટર્ન નહીં ભરે તો સિસ્ટમ ભરી દેશે

રિટર્નની છેલ્લી તારીખ પછી ૧૫ દિવસનો સમય અપાશે

નવી દિલ્હી તા.૯: જીએસટી રિટર્નને એક મહિનો પૂરો થયા પછી બીજા મહિનાની ૨૦ દિવસમાં ભરવાનું હોય છે, તેમાં ૨૦ એ રિટર્ન નહીં ભરનાર વેપારીને લેઇટ ફી ભરીને રિટર્ન ભરી દેવા માટે ૧૫ દિવસનો સમય અપાશે. ત્યાર બાદ તેને રિટર્ન ભરવા બે નોટિસ અપાશે અને છતાં કરદાતા રિટર્ન નહીં ભરે તો સિસ્ટમ પોતાની મેળે આપોઆપ રિટર્ન ભરીને કરદાતાએ ભરવાની થતી જીએસટીની રકમ ભરી દેવા નોટિસ ફટકારી દેશે.

વેપારીએ ખરીદ વેચાણની વિગત જીએસટી-આર-૧માં બીજા મહિનાની ૧૦ તારીખ સુધીમાં ભરવાની હોય છે તે પછીના ૧૦ દિવસમાં ૩-બી રિટર્નમાં વિગતો રજૂ કરી તેને કેટલા રૂપિયાનો જીએસટી ભરવાનો થાય છે તે સિસ્ટમ બતાવે છે. કેટલાક વેપારીઓ જીએસટી નંબર લીધા બાદ ૩-બી રિટર્ન ભરતા નથી. તેથી તેમની સામે હવે કડક કાર્યવાહી કરાઇ રહી છે.

આમ ૧૫ દિવસ પછી રિટર્ન નહીં ભરનારા વેપારીની વેબસાઇટ પર જ વેપારીએ જીએસટીઆર-૧ અને ઇ-વે બિલમાં ભરેલ વિગતના આધારે સિસ્ટમ ૩-બી રિટર્ન ભરપાઇ કરી દેશે તેના આધારે તેને નોટિસ અપાશે. સિસ્ટમ રિટર્ન ભરશે તેના કારણે વેપારીને નુકસાન થવાની વધુ શકયતા છે. તેથી તેણે હવે પછી નુકસાનીથી બચવા સમયસર ૩-બી રિટર્ન ભરવું પડશે.

બોગસ બિલિંગના કેસમાં નિવેદન લેતી વખતે વેપારી સાથે તેના સીએ અથવા ટેકસ કન્સલ્ટન્ટને હાજર નહી રાખી શકાય. આ બાબતે દિલ્હી હાઇકોર્ટે પણ જીએસટી વિભાગને આવો ચુકાદો રાહપ આપી છે. જેના કારણે બોગસ બિલિંગ કરનાર સામે વિભાગ કરદાતાના કન્સલ્ટન્ટ વગર કરદાતાને આકરી પૂછપરછ કરી શકશે.

(3:35 pm IST)