Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૧૦ મિનીટમાં ૧૦ કરોડની લૂંટ

વાપીમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલથી લૂંટારૂ ત્રાટકયા

ચણોદ વિસ્તારની આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સ ઓફીસમાં કર્મચારીઓને બંધક બનાવી સોના - રોકડની લૂંટ : લૂંટારૂઓએ કર્મચારીઓને બંધુક - છરી સહિતના હથિયારો સાથે ઓફીસમાં ઘુસી લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા : જિલ્લાભરમા પોલીસની નાકાબંધી

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. ૯ : વાપી શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને ૧૦ કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી હોવાનુ જાણવા મળે છે.

વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેકસના બીજા માળે આવેલી આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં સવારના સમયે ઓફિસ ખુલી હતી એ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે ૧૦ કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. ભરચક વિસ્તારમાં દોળા દિવસે થયેલી લૂંટને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફએલ ખાનગી ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર સહિત જિલ્લા અને રાજયમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિકયુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)