Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૧૬ વિદેશી રાજદૂતો આજથી જમ્મુ-કાશ્મીરની બે-દિવસની મુલાકાતે

બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે

શ્રીનગર, તા.૯: લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં ૧૬ રાજદૂતો આજથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાતે જવાના છે. તેઓ ત્યાં બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે.

૨૦૧૯ના ઓકટોબરમાં કેન્દ્ર સરકારે યુરોપીયન સંસદના ૨૩ સભ્યોને કશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. એ નેતાઓ સ્થાનિક લોકોને મળ્યા હતા અને પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારે જમ્મુ અને કશ્મીર રાજયને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ કલમ ૩૭૦ને ૨૦૧૯ની પાંચમી ઓગસ્ટે રદ કરી હતી. અને સાથોસાથ, જમ્મુ-કશ્મીરનો રાજયનો દરજ્જો રદ કરી એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. ૩૭૦મી કલમ રદ થવાથી ભારતના સામાન્ય કાયદાઓ આ નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ થયા છે. જમ્મુ અને કશ્મીર રાજયનો દરજ્જો રદ કરીને કેન્દ્ર સરકારે એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધું છે. એક છે જમ્મુ અને કશ્મીર અને બીજો છે લડાખ.

યુરોપીયન યુનિયનના દેશોના રાજદૂતો આજની મુલાકાતમાં જોડાયા નથી. એમણે કહ્યું છે કે તેઓ કોઈ અન્ય તારીખે જમ્મુ-કશ્મીર જશે. એ લોકો જમ્મુ-કશ્મીરના ૩ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો - ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને મળવા માગે છે, જેમને સરકારે નજરકેદમાં રાખ્યા છે.

૧૬ વિદેશી રાજદૂતો આજે જમ્મુ-કશ્મીરના લેફટેનન્ટ ગવર્નર જી.સી. મૂર્મૂ તથા અન્ય અધિકારીઓને પણ મળશે અને આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.

બંધારણની ૩૭૦મી કલમને રદ કરાયા બાદ કશ્મીર ખીણપ્રદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાતતપાસ કરવા માટે ત્યાં જવા દેવા માટે અનેક દેશોનાં રાજદૂતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

(11:40 am IST)