Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગ્રાહકો સાથે છેતરપિંડી બનશે હવે મુશ્કેલ

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરીટી માટે નવા નિયમો બનાવાયા

નવી દિલ્હી તા. ૯: આગામી સમયમાં ગ્રાહકો સાથે કોઇપણ પ્રકારની ચાલાકી કંપનીઓને ભારે પડવાની છે. કંપનીઓ સામે ભ્રામક પ્રચાર, નકલી સામાનનું વેચાણ અથવા ગ્રાહકો સાથે છેતરપિંડી વિરૂધ્ધ કાર્યવાહી માટે સરકારે કોઇ ફરીયાદની રાહ નહિં જોવી પડે.

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરીટી (સીસીપીએ) કોઇપણ પ્રકારે મળેલી માહિતીના આધારે ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી શકે છે. એટલું જ નહીં, સીસીપીએને નકકી કરેલા સમય ગાળામાં પ્રથમ દ્રષ્ટિએ તે ફરિયાદ સાચી છે કે નહીં તે નકકી કરવું પડશે. આ સાથે જ સીસીપીએને જે તે કેસની તપાસનો પણ અધિકાર મળશે.

ગ્રાહક સુરક્ષા કાયદો પસાર થયા પછી કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરીટી માટે નિયમોનો મુસદે તૈયાર કરી લીધો છે. આ નિયમો હેઠળ સીસીપીએ કોઇપણ કેસની જાતે માહિતી મેળવીને તપાસ કરવાનો અધિકાર રહેશે. એટલું જ નહિં, સીસીપીએ પાસે તલાશી અને સામાન જપ્ત કરવાનો પણ અધિકાર રહેશે. અત્યાર સુધી કોઇ ગ્રાહક ફોરમ પાસે તપાસનો અધિકાર નહોતો. નિયમોના મુસદ્દામાં કહેવાયું છે કે સીસીપીએએ ફરિયાદ મળ્યાના પંદર દિવસમાં પોતાનો રિપોર્ટ દાખલ કરવો પડશે.

એવું માનવામાં આવે છે કે આ પહેલથી ગ્રાહકો સાથેની છેતરપિંડીઓમાં ઘટાડો થશે. કંપનીઓ પણ બજારમાં સારા ઉત્પાદનો લઇને જ આવશે. આ ઉપરાંત નવા નિયમો અનુસાર કોઇ ફરિયાદ પ્રાથમિક દ્રષ્ટિએ યોગ્ય ન લાગે તો સીસીપીએ તરત કેસ બંધ કરીને ફરિયાદ કર્તાને જાણ કરશે. એક અધિકારીએ કહ્યું કે પ્રાથમિક તપાસના કારણે ફરિયાદોના નિવારણમાં ઝડપ વધશે. અત્યાર સુધી લાંબા સમય સુધીએ નકકી નહોતું થતું કે ગ્રાહકની ફરિયાદ સાચી છે કે ખોટી.

 

(10:55 am IST)