Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સંઘ-ગડકરીના ગઢમાં ભાજપ હાર્યુ

ગડકરીના ગામ ધપેવાડામાં પણ ભાજપને મોટો ઝટકો કોંગ્રેસ ૩૦ બેઠકો સાથે મોટો પક્ષઃ નાગપુરમાં જિલ્લા કાઉન્સિલની ચુંટણીમાં ભાજપની હાર

નવી દિલ્હી,તા.૯: રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય (RSS)ના ગઢ નાગપુરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે નાગપુર જિલ્લા કાઉન્સિલની ચૂંટણીમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. બીજેપી નેતા નિતિન ગડકરીના ગામ ધપેવાડામાં પણ હારી ગઇ છે. નાગપુર જિલ્લા કાઉન્સિલ ચૂંટણીમાં કોંગ્રેસ ૩૦ બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જયારે બીજેપીને ૧૫ બેઠકો હાંસલ થઇ છે.

જયારે ગડકરીના ગામની ધપેવાડા બેઠક કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર ડોંગરેએ જીતી છે. તેઓએ બીજેપી ઉમેદવાર મારુતિ સોમકુવરને હરાવ્યા છે. ડોંગરેને ૯૪૪૪ વોટ મળ્યા. જયારે સોમકુવરને ૫૫૦૧ વોટોથી સંતુષ્ટ થવું પડ્યું. જિલ્લા કાઉન્સિલ ધપેવાડા સર્કિલ (બેઠક) ત્રણ વાર બીજેપીની પાસે જ હતી. નાગપુર જિલ્લા કાઉન્સિલમાં ૫૮ બેઠકો છે. જયાં મંગળવારે ચૂંટણી યોજાઇ હતી અને બુધવારે પરિણામોની જાહેરાત કરવામાં આવી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. પરંતુ શિવસેના સાથે મતભેદને કારણે ફડણવીસ સરકાર બની ન શકી. વિધાનસભા ચૂંટણી બાદ બીજેપી માટે આ એક વધુ મોટો ઝટકો છે. બીજેપીની હાર બાદ કોંગ્રેસે હુમલો બોલ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિકે ટ્વિટ કરી લખ્યું કે નાગપુર જિલ્લામાં આરએસએસનું મુખ્યાલય છે અને અહીં જિલ્લા કાઉન્સિલ ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે. કોંગ્રેસ નેતા મુજબ, લોકોએ બીજેપીને નકારી દીધી છે.

(10:54 am IST)