Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સવારે ૬.૪૦ ઉપડી બપોરે ૧.૧૦ કલાકે પહોંચશે મુંબઇ સેન્ટ્રલઃ વળતા ૩.૪૦ ઉપડી ૯.૫૫ પરત

૧૭મીથી અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે તેજસ એકસપ્રેસઃ ભાડુ હશે રૂ.૨૩૮૪ અને રૂ.૧૨૮૯

મુંબઈ, તા.૯: ભારતીય રેલવેએ બીજી તેજસ એકસપ્રેસ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન આવતી ૧૭ જાન્યુઆરીથી વ્યાપારી ધોરણે સફર શરૂ કરશે.

આ ટ્રેનસેવાનું સંચાલન ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.

તેજસ શ્રેણીમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેન બીજી છે, જે સપ્તાહમાં ૬ દિવસ દોડશે.

પહેલી તેજસ એકસપ્રેસ લખનઉ અને નવી દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવી છે.

IRCTCએ આ ટ્રેન માટે 'ડાયનેમિક ભાડા' યોજના ઘડી કાઢી છે. મતલબ કે ખાલી સમયગાળા, ધસારાના સમયગાળા અને તહેવારોની મોસમ માટે જુદા જુદા ભાડા રાખવામાં આવશે.

IRCTC એ એ પણ નક્કી કર્યું છે કે આ ટ્રેન જો મોડી પડશે તો એ પ્રવાસીઓને પૈસા ચૂકવશે. મતલબ કે જો ટ્રેન એક કલાક મોડી પડશે તો પ્રવાસીઓને રૂ. ૧૦૦નું વળતર આપવામાં આવશે. બે કલાક મોડી પડશે તો રૂ. ૨૫૦ની રકમની ચૂકવણી કરવામાં આવશે.

તેજસ એકસપ્રેસ માટે તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય.

ટ્રેન મોડી પડે તો પૈસાનું રીફંડ લેવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પરની લિન્કમાં વીમા કંપની સાથેનું એક કલેમ ફોર્મ ભરવાનું રહેશે. પ્રવાસીઓ એ ઉપરાંત ટોલ ફ્રી નંબર ઉપર પણ કલેમ નોંધાવી શકશે. એ માટે પ્રવાસીએ તેની સફરની વિગતો, પીએનઆર નંબર, બેન્ક એકાઉન્ટ વિગતો તથા ટ્રેન કેટલા કલાક મોડી પડી એ વિગત આપવાની રહેશે. વીમા કંપની વળતરની રકમ સીધા પ્રવાસીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એકસપ્રેસ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

૮૨૯૦૨ નંબરની આ ટ્રેન સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદથી ઉપડી બપોરે ૧.૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. વળતી સફરમાં, ૮૨૯૦૧ નંબરની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩.૪૦ વાગ્યે ઉપડી રાતે ૯.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.

રસ્તામાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશનોએ ઊભી રહેશે.

ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના બાકીના બધા દિવસોએ દોડાવવામાં આવશે.

અમદાવાદથી મુંબઈ આવનારી ટ્રેનમાં એકિઝકયૂટિવ ચેર કારનું ભાડું રૂ. ૨,૩૮૪ છે. એનું બેઝ ફેર છે રૂ. ૧,૮૭૫, જયારે જીએસટી ૯૪ રૂપિયા, કેટરિંગ ચાર્જ ૪૧૫ રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. ૧,૨૮૯ હશે, જેમાં બેઝ ફેર ૮૭૦ છે જયારે જીએસટી ૪૪ રૂપિયા અને કેટરિંગ ચાર્જ ૩૭૫ રૂપિયા છે.

મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનમાં એકિઝકયૂટિવ ભાડું રૂ. ૨,૩૭૪ છે, જેમાં બેઝ ફેર રૂ. ૧,૮૭૫ છે જયારે જીએસટીના ૯૪ રૂપિયા અને કેટરિંગ ચાર્જ ૪૦૫ રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. ૧,૨૮૯ છે જેમાં બેઝ ફેર રૂ. ૮૭૦ છે  જયારે જીએસટી ૪૪ રૂપિયા અને કેટરિંગ ચાર્જ ૩૭૫ રૂપિયા છે.

આ ટ્રેનનું બેઝ ફેર શતાબ્દી એકસપ્રેસ જેટલું જ હશે, પરંતુ તેજસનું ભાડું વધારવાનો અધિકાર IRCTCની રહેશે, કારણ કે આ રેલવેની ખાનગી ટ્રેન છે.

તેજસ એકસપ્રેસ પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડશે.

આ ટ્રેનમાં દરેક સીટના પાછળના ભાગમાં એક એલસીડી લગાડવામાં આવ્યું છે.

ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા મળશે તેમજ કેટરિંગનું મેનૂ નામાંકિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે.

પ્રવાસીઓને મફતમાં રૂ.૨૫ લાખના રેલ યાત્રા વીમાનું કવચ મળશે.

દરેક ડબ્બામાં બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ અને ઈલેકટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ હશે.(૨૩.૪)

(10:04 am IST)