Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીના શનિવારે સંસદમાં રજૂ કરાશે

૨૦૧૯માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે

નવી દિલ્હી, તા.૯:  કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી ૧ ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. ૨૦૧૯માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.

૧ ફેબ્રુઆરીના શનિવારે મુંબઈ શેરબજાર (બીએસઈ) ખુલ્લું રાખવામાં આવશે. શનિવાર સામાન્ય રીતે બીએસઈમાં રજાનો દિવસ હોય છે તે છતાં આ વખતે બજેટનો દિવસ હોઈ શેરબજાર ચાલુ રાખવામાં આવશે, એમ બીએસઈના મેનેજિંગ ડાયરેકટર અને સીઈઓ આશિષ ચૌહામે આજે એક બિઝનેસ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.

કેન્દ્રીય બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના આખરી કામકાજના દિવસે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ હકૂમતના વખતની પ્રથા દાયકાઓ સુધી ચાલુ રખાઈ હતી, પરંતુ નરેન્દ્રભાઇ મોદીની સરકારે એ પ્રથાનો ૨૦૧૭માં અંત લાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે બજેટ હવેથી વહેલું, ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

આ નિર્ણય લેવા પાછળ સરકારનો આઈડિયા એવો છે કે બજેટને લગતી તમામ પ્રક્રિયા ૩૧ માર્ચ સુધીમાં પૂરી થઈ જાય તેથી યોજનાઓના અમલ માટે ખર્ચ કરવાનું ૧૨-મહિનાનું કામકાજ ૧ એપ્રિલથી શરૂ થઈ શકે.

નાણાં મંત્રાલયના સૂત્રોએ અગાઉ એવો નિર્દેશ કર્યો હતો કે આર્થિક સર્વેક્ષણ ૩૧ જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે એવી ધારણા છે અને કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કરાશે.

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકોને અપીલ કરી છે કે દેશનું અર્થતંત્ર વિકાસ પામી શકે એ માટે બજેટ અંગે તેમને જે કોઈ સૂચન, ઈચ્છા, માગણી કે અપેક્ષા હોય તો તેઓ સરકારને જણાવી શકે છે.

કેન્દ્રીય બજેટ દેશની ૧૩૦ કરોડની જનતાની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના વિકાસનો માર્ગ નક્કી કરે છે. તેથી હું આપણને આમંત્રણ આપું છું કે તમે આ વર્ષના બજેટ માટે તમારા વિચારો અને સૂચનો MyGov ઉપર અને આ લિન્ક પર શેર કરો. https://www.mygov.in/group-issue/inviting-ideas-and-suggestions-union-budget-2020-2021/, https://t.co/zVCL06TdLn

(10:02 am IST)