Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અનામત : આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે રાજ્યસભામાં ઉગ્ર ચર્ચા

સિબ્બલ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓની તર્કદાર રજૂઆતોઃ ભારે ધાંધલ ધમાલની વચ્ચે કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગહેલોતે બિલને રજૂ કર્યા બાદ મોડી રાત સુધી તીખી ચર્ચા ચાલી : બધા સભ્યોએ અભિપ્રાયો રજૂ કર્યા

નવી દિલ્હી,તા. ૯: લોકસભામાં સામાન્ય વર્ગના આર્થિકરીતે નબળા વર્ગને ૧૦ ટકા અનામત આપવાના બંધારણીય સુધારા બિલને લોકસભામાં મંજુરી આપવામાં આવ્યાના એક દિવસ બાદ આજે રાજ્યસભામાં આ બિલ ભારે ધાંધલ ધમાલ વચ્ચે રજૂ કરવામાં આવ્યા બાદ દિવસ દરમિયાન હોબાળાના દોર વચ્ચે ચર્ચા ચાલી હતી. ચર્ચા દરમિયાન ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક, ટીએમસી તથા અન્ય રાજકીય પક્ષોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલ્યો હતો. મોડી રાત સુધી ઉગ્ર ચર્ચા ચાલી હતી. રાજ્યસભામાં કેન્દ્રીયમંત્રી થાવરચંદ ગહેલોતે આ બિલને રજૂ કર્યું હતું જેના લીધે ધાંધલ ધમાલ શરૃ થતાં કેટલીક વખત કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. આ મુદ્દે કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને અન્ય વરિષ્ઠ નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. જ્યારે ભાજપ તરફથી રવિશંકર પ્રસાદ અને અન્યોએ પ્રતિક્રિયા આપી હતી. બહુજન સમાજ પાર્ટી તરફથી સતિષચંદ્ર મિશ્રા દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આને પાસ કરવાના પ્રયાસ છેલ્લીઘડીએ કેમ કરવામાં આવ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી તરફથી કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ બિલને લાવતા પહેલા કોઇપણ પ્રકારના ડેટા એકત્રિત કરવામાં આવ્યા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સંદર્ભમાં અગાઉ પણ પ્રયાસો થઇ ચુક્યા છે પરંતુ આમા સફળતા હાથ લાગી નથી. તમામ આંકડાને ગણીને બંધારણમાં સુધારા કરવાની જરૃર છે. કેટલી નોકરીઓની તકો સર્જાઈ રહી છે તે મોટો પ્રશ્ન છે જેટલી નોકરીઓની તકો ઉભી થઇ રહી છે તેના કરતા વધારે નોકરીની તકો જઈ રહી છે. સિબ્બલે કહ્યું હતું કે, અમે ઇચ્છતા હતા કે આ બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવામાં આવ્યું હોત. ચર્ચા થઇ હોત ત્યારબાદ પસાર કરવામાં આવ્યું હોત. સિબ્બલે કહ્યું હતું કે, ગુજરાતના હાર્દિક પટેલે પણ આ પ્રકારની અનામતની માંગ કરી હતી પરંતુ તેને દેશદ્રોહનો આરોપ મુકીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે સરકાર તરફથી તર્કદાર દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમર્થન કરવા માંગો છો તો ખુલ્લા મનથી સમર્થનની જરૃર છે. ઉંચી જાતિઓમાં પણ મોટી સંખ્યામાં લોકો ગરીબ છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, નબળા લોકો અંગે કમિશન ૨૦૧૦માં અહેવાલ સોંપ્યો હતો પરંતુ કોંગ્રેસે કોઇ નિર્ણય કર્યો ન હતો જ્યારે તેમની સરકારે આ બિલ રજૂ કર્યું છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજવાદી પાર્ટી તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી. ડીએમકેના કાનીમોઝીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિવસેના તરફથી અનિલ દેસાઈએ પોતાની રજૂઆત કરી હતી. આરજેડી નેતા મનોજ ઝાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી સમયે આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  લોકસભામાં બિલને પાસ કરવામાં આવ્યા બાદ આજે રાજ્યસભામાં ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જોગવાઇ ધરાવતુ બંધારણીય સુધારા બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. ભારે ધાંધલ ધમાલ વચ્ચે આ બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. કેબિનેટે  સોમવારના દિવસે ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી. ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે. ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે.

 

(9:46 pm IST)