Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

હવે મધ્યમ વર્ગ માટે ખુલશે રાહતનો પટારો

આર્થિક અનામતની જાહેરાત કરી વિપક્ષની બોલતી બંધ કર્યા બાદ મોદી સરકાર હવે નવા ધડાકા - ભડાકાના મૂડમાં: ખેડૂતો માટે આવશે પેકેજ : ઉદ્યોગજગત માટે થશે મોટી જાહેરાતો : GSTમાં અપાશે ઢગલાબંધ રાહતોઃ મધ્યમ વર્ગને ટેક્ષ બેનીફીટ તથા કેટલીક કસ્ટમ ડયુટી ઘટશે : રિયલ એસ્ટેટને પણ મળશે રાહત

નવી દિલ્હી તા. ૯ : આર્થિક રીતે નબળા વર્ગને સરકારી નોકરીઓમાં અનામત આપવાનો દાવ રમ્યા પછી સરકાર તરફથી દેશના મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને આગામી દિવસોમાં કેટલીક મોટી જાહેરાતો થશે. જેમાં એકબાજુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક યુનિટોને રાહત આપવાની કોશિષ હશે તો બીજી બાજુ ખેડૂતો માટે પણ એક પેકેજની જાહેરાત થશે.

ખાંડ ઉદ્યોગને એક મોટી રાહત આપવાની તૈયારી છે જે બાબતે બહુ જલ્દી કેબીનેટની મંજુરી આપી શકે છે. એટલું જ નહીં પણ ત્રણ અઠવાડિયા પછી નાણામંત્રી દ્વારા રજુ થનાર વચગાળાના બજેટનું રૂપ પણ એવું રખાશે જેનાથી મધ્યમ વર્ગને લોભાવવાની પુરી કોશિષ થશે.

વચગાળાના બજેટના સ્વરૂપ પર નાણા મંત્રાલયમાં ચર્ચાઓ સતત ચાલુ જ છે. નાણામંત્રી વચગાળાના બજેટ દ્વારા પોતાના પક્ષની આગામી પ્રત્યક્ષ કરનીતિનું સ્વરૂપ રજુ કરશે. જેમાં સામાન્ય આવક વેરા દાતાઓને વધારે છુટ આપવાની સાથે જ બચતને પ્રોત્સાહન આપવા માટેની નવી રીતોનો વાયદો કરાશે. કાયદાકીય અડચણોના કારણે આ જાહેરાતોને સરકાર અત્યારે અમલી નહીં બનાવી શકે પણ આવનારા દિવસોમાં આ પગલા લેવાનું વચન આપી શકે છે.

૨૦૦૯માં વચગાળાનું બજેટ રજુ કરતી વખતે તત્કાલિન નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ કેટલાય પ્રકારની જાહેરાતો કરી હતી. આજ રીતે ૨૦૧૪ના વચગાળાના બજેટમાં પણ નાણામંત્રી પી. ચિદમ્બરમે ઘણા પ્રકારની લોભામણી નીતિઓની જાહેરાત કરી હતી.

સૂત્રો અનુસાર નાના અને મધ્યમ ઉદ્યોગોને એક મોટી રાહત આગામી ગુરૂવારની જીએસટી પરિષદની બેઠકમાં મળી શકે છે. જેમાં જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાની હાલની મર્યાદા ૨૦ લાખ રૂપિયાથી વધારીને ૭૫ લાખ કરવામાં આવશે. જેના લીધે જીએસટીથી હેરાનગતિ ભોગવતા નાના અને મધ્યમ ઉદ્યોગોના એક મોટા વર્ગને રાહત મળી જશે. આ ઉપરાંત જીએસટી પરિષદની બેઠકમાં ફલેટ બનાવવા પર જીએસટીનો હાલનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા થવાની શકયતા છે.

સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને રિઝવવાના ક્રમમાં કેન્દ્ર સરકાર સવર્ણોને ૧૦ ટકા અનામત આપ્યા બાદ હવે બજેટ-૨૦૧૯માં મિડલ કલાસને  ઇન્કમ ટેકસ રીલીફ તરીકે મોટી ભેટ આપી શકે છે. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મિડલ કલાસને રાહત આપવા માટે સંકેત આપ્યા હતા. મીડલ કલાસ લાંબા સમયથીઇન્કમ ટેકસ સ્લેબમાં રાહતની માંગ કરી રહ્યા છે. સમાચારો અનુસાર મોદી સરકાર ઇન્કમ ટેકસમાં રાહત આપવા માટે સેવિંગ લિમિટમાં વધારો અને અન્ય ટેકસમાં રાહત આપવા અંગે વિચાર કરી રહ્યા છે.

બિઝનેસ ચેનલ ઈટી નાઉના અનુસાર કેન્દ્ર સરકાર પોતાના વચગાળાના બજેટમાં ટેકસ બેનિફિટની જાહેરાત કરી શકે છે, જેમાં સેવિંગ લિમિટમાં વધારો, પેંશનર્સ માટે ટેકસ બેનિફિટ અને હાઉસિંગ લોનના વ્યાજ પર વધુ છૂટ જેવા વિકલ્પ સામેલ થઇ શકે છે.

સરકારી સૂત્રોના અનુસાર, 'ગત ચાર બજેટ દરમિયાન અમે (કેન્દ્ર સરકારે) સેલરીડ કલાસને રાહત આપી છે, કારણ કે તે દેશના સૌથી ઇમાનદાર ટેકસપેયર છે. અમે આ વર્ષે પણ વચગાળાના બજેટની સીમાઓમાં જેટલું કરી શકીએ છીએ એટલું કરીશું.'

સૂત્રોએ એ પણ જણાવ્યું કે બેસિક કસ્ટમ ડ્યૂટીમાં રાહત આપવા પર વિચાર કરી શકાય છે. જોકે તેમણે આ વસ્તુઓની ડિટેલ આપી નથી, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગત ચાર વર્ષ દરમિયાન નાણામંત્રાલયે મિડલ કલાસને ઘણી રાહત આપી છે. તેમાં ટેકસની સીમામાં વધારો અને ટેકસ રેટમાં ઘટાડા જેવા પગલાં સામેલ છે.

નાણા મંત્રી અરૂણ જેટલી એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. આ અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવનાર છઠ્ઠું બજેટ હશે. આ વચગાળાનું બજેટ હશે, જેને વોટ ઓન એકાઉન્ટ (Vote-on-Account) પણ કહે છે. તેમાં એક સિમિત સમયગાળા માટે સરકારના જરૂરી ખર્ચાની મંજૂરી લેવામાં આવે છે. (૨૧.૮)

(11:30 am IST)