Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

ત્રણ રાજ્‍યોમાં હવે પસંદ થશે મુખ્‍યમંત્રી

મધ્‍યપ્રદેશ - રાજસ્‍થાન - છત્તીસગઢ માટે ૩-૩ નિરિક્ષકોની નિમણુક : રાજ્‍યોમાં વિધાનસભા પક્ષના નેતા પસંદ કરશે : ભાજપે નિરિક્ષકો નિમ્‍યા : રાજનાથ - ખટ્ટરને મહત્‍વની જવાબદારી : છત્તીસગઢ માટે અર્જુન મુંડા સહિત ત્રણને જવાબદારી

નવી દિલ્‍હી તા. ૮ : ભાજપે રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્‍યમંત્રીઓની પસંદગી કરવાની દિશામાં પગલાં લીધાં છે. ભાજપે ત્રણેય રાજયો માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે, જેઓ આજ સાંજ સુધીમાં સંબંધિત રાજયોમાં પહોંચી જશે. રાજસ્‍થાન માટે ભાજપે રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને નિરીક્ષક બનાવ્‍યા છે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, મધ્‍યપ્રદેશમાં કે. લક્ષ્મણ અને આશા લાખેડને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્‍યા છે. અર્જુન મુંડા અને સર્બાનંદ સોનોવાલને નિરીક્ષક તરીકે છત્તીસગઢ મોકલવામાં આવ્‍યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્‍ય દળની બેઠક યોજાશે. આ બેઠક બાદ મુખ્‍યમંત્રીની જાહેરાત થઈ શકે છે. આ બેઠકમાં નિરીક્ષકો ધારાસભ્‍યો પાસેથી  તેમનો અભિપ્રાય શું છે તે અંગે ફીડ લેશે. આ બેઠક બાદ કેન્‍દ્રીય નેતૃત્‍વ પાસેથી સલાહ લેવામાં આવે છે અને પછી ગમે ત્‍યારે સીએમ ચહેરાની જાહેરાત થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી યુપી, આસામ, કર્ણાટક સહિત અનેક વિસ્‍તારોમાં ભાજપનો દબદબો છે ભાજપે પોતાનો સીએમ ચહેરો જાહેર કર્યા વિના રાજયની ચૂંટણી લડી છે. ત્‍યારબાદ પરિણામ જાહેર થયા બાદ ધારાસભ્‍ય દળની બેઠક બાદ નિર્ણય લેવામાં આવે છે.

આ વખતે પણ આ પરંપરાને આગળ ધપાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં ઘણા સાંસદો અને મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી ૧૨ સાંસદો અને મંત્રીઓ જીત્‍યા છે, જેમના રાજીનામા લેવામાં આવ્‍યા છે. આવી સ્‍થિતિમાં મુખ્‍યમંત્રી પદની રેસ વધુ રસપ્રદ બની છે અને અટકળો તેજ બની છે. સાંસદ મહંત બાલકનાથ, કેન્‍દ્રીય મંત્રી નરેન્‍દ્ર સિંહ તોમર, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, પ્રહનાદ પટેલ સહિત ૧૨ સાંસદોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કારણે ચર્ચાએ જોર પકડ્‍યું છે કે આમાંથી કોઈ એકને મુખ્‍યમંત્રી બનાવી શકાય છે.

(3:29 pm IST)