Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ચૂંટણીમાં કારમાં પરાજય છતાં કેજરીવાલ ખુશખુશાલ :ગુજરાતના લોકોનો માન્યો આભાર :કહ્યું- લોકોનો હું જીવનભર આભારી રહીશ

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 13 ટકા મત મળ્યા છે તે બાદ રાષ્ટ્રીય પાર્ટી બનવાનો રસ્તો આસાન બની ગયો

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપે ફરી એક વખત ઐતિહાસિક જીત મેળવી છે. આ વચ્ચે ચર્ચામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલીક બેઠક જીતવામાં સફળ રહી છે. ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારા અરવિંદ કેજરીવાલ હાર છતા પણ ખુશ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 13 ટકા મત મળ્યા છે તે બાદ તેનો રાષ્ટ્રીય પાર્ટી બનવાનો રસ્તો આસાન બની ગયો છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવાની બાકી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ, આજે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે. ગુજરાત ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે, જેટલા ટકા આમ આદમી પાર્ટીને ગુજરાત ચૂંટણીમાં મળ્યા છે, તેના હિસાબથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે. આ ઘણી મોટી વાત છે. દેશમાં ઘણી ઓછી પાર્ટી છે જેમણે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળેલો છે. હવે આ પાર્ટીમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થઇ ગઇ છે.

કેજરીવાલે કહ્યુ કે 10 વર્ષ પહેલા આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી હતી. એક જવાન પાર્ટી, જેને 10 વર્ષ જ થયા છે, તેની બે રાજ્યમાં સરકાર છે પરંતુ આજે તે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે અને લોકો જ્યારે આ સાંભળે છે તો ચોકી જાય છે. આ ઘણી આશ્ચર્યજનક સિદ્ધિ છે. ગુજરાતના લોકોનો ખાસ કરીને આભાર માનવા માંગુ છુ. જ્યારે પણ ગુજરાત આવ્યો, તમારા લોકોનો પ્રેમ મળ્યો, સમ્માન મળ્યુ, વિશ્વાસ મળ્યો, તેનો હું જીવનભર આભારી રહીશ. ગુજરાતના લોકો પાસેથી મને ઘણુ શીખવા મળ્યુ. ગુજરાત એક રીતે ભાજપનો ગઢ મનાય છે, તેમણે ભેદવામાં સફળ થયા. આજે ગુજરાતમાં અમને 13 % જેટલા મત મળ્યા છે. અત્યાર સુધી 39 લાખ વોટની નજીક અમને મળી ચુક્યા છે. આટલા લોકોએ અમારી ઉપર વિશ્વાસ કર્યો અને પ્રથમ વખત અમને મત આપ્યા. આટલો પ્રેમ આપવા માટે તમામ લોકોનો આભારી છું.

રાષ્ટ્રીય પક્ષ બનવાની ત્રણ મુખ્ય શરત અથવા પાત્રમાંથી એક એ છે કે કોઇ પણ રાજકીય દળ ચાર લોકસભા બેઠક સિવાય લોકસભામાં 6 ટકા મત મેળવે. વિધાનસભા ચૂંટણીમાં ચાર અથવા તેનાથી વધુ રાજ્યમાં કુલ 6 ટકા અથવા વધુ વોટ શેર મેળવે. ગોવામાં પણ AAPએ 6.77 ટકા વોટ શેર સાથે બે બેઠક જીતી હતી. કેટલાક અન્ય રાજ્યમાં પણ આમ આદમી પાર્ટીની ભાગીદારી અને વોટ શેર છે. હવે આ ચર્ચા થવા લાગી છે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઇ રહી છે. ચૂંટણીના રાજકીય નિયમના જાણકાર અનુસાર ચૂંટણી પંચના સ્પષ્ટતા અભિયાન બાદ હવે દેશમાં 400 રાજકીય પાર્ટીઓ છે પરંતુ તેમાંથી માત્ર 7ને જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળેલો છે

(6:59 pm IST)