Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

લોકોએ કેજરીવાલની રેવડીને ભાવ ન આપ્‍યોઃ કોંગ્રેસને અસ્‍તિત્‍વ ટકાવી રાખવાના પણ ફાંફા!

૨૭ વર્ષમાં કોંગ્રેસ પણ એક મજબૂત વિપક્ષ બનવાનામાં નિષ્‍ફળ ગઈ અને પ્રજાએ તેને પણ આ વખતે જાકારો આપ્‍યોઃ હવે સવાલ એ છે કે શું આગામી સમયમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનું સ્‍થાન લઈ લેશે?

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતમાં અત્‍યારસુધીના ટ્રેન્‍ડ્‍સ ભાજપ રેકોર્ડબ્રેક બેઠકો જીતી સરકાર બનાવશે તે લગભગ સ્‍પષ્ટ થઈ ચુકયું છે. ૨૭ વર્ષથી સત્તામાં હોવા છતાંય એન્‍ટિ ઈન્‍કમ્‍બન્‍સી જેવા ફેક્‍ટરને ખાળીને પક્ષ આ વખતે જંગી જીત મેળવવા ભણી આગળ વધી રહ્યો છે. તો બીજી તરફ, ગુજરાતમાં આવી ભાજપને પડકારનારી આમ આદમી પાર્ટીની રેવડીને પ્રજાએ ખાસ ભાવ ના આપ્‍યો હોવાનું પણ સાબિત થઈ ગયું છે. જોકે, આ ચૂંટણીમાં મરણતોલ કહી શકાય તેવો ફટકો તો કોંગ્રેસને પડ્‍યો છે. પાર્ટી જો ૧૮થી ઓછી બેઠકો મેળવશે તો તેને વિપક્ષનું સ્‍ટેટસ પણ ગુમાવું પડે તેવી સ્‍થિતિ છે.

હજુ ગઈકાલ સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં તેમની બહુમતી સાથે સરકાર બનવાની છે તેવા દાવા કરતા હતા. ઈસુદાન ગઢવીએ તો જરુર પડે તો ગઠબંધન કરવા પણ આમ આદમી પાર્ટી તૈયાર છે તેવી વાત કરી દીધી હતી, પરંતુ હાલની સ્‍થિતિ જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગાજ્‍યા પ્રમાણે વરસી નથી શકી. કેજરીવાલ હોય કે પક્ષના અન્‍ય નેતાઓ, તેમની સભામાં ભારે ભીડ તો જોવા મળી હતી પરંતુ આ ભીડ વોટમાં ખાસ કન્‍વર્ટ નથી થઈ શકી. ખાસ કરીને વરાછા અને કતારગામ જેવી બેઠક પર આપ ખાસ્‍સી મજબૂત મનાઈ રહી હતી, પરંતુ તેનો અહીં ગજ વાગે તેવી શકયતા પાંખી જણાઈ રહી છે.

કોંગ્રેસે અમદાવાદ સ્‍થિત પોતાના કાર્યાલયમાં ગુજરાતમાં પરિવર્તનનું કાઉન્‍ટ ડાઉન દર્શાવતી એક ઘડિયાળ મુકી હતી. જોકે, આજે જાહેર થઈ રહેલા રિઝલ્‍ટમાં કોંગ્રેસનો રકાસ થતો સ્‍પષ્ટ દેખાઈ રહ્યો છે ત્‍યારે પક્ષના કાર્યાલય પરથી આ ઘડિયાળ જ ગાયબ થઈ ગઈ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ૧૨૫ બેઠકો જીતીને સરકાર બનાવવાની વાતો કરી હતી, પરંતુ તેના દાવાની પાંચમા ભાગની બેઠકો પણ તેને મળશે કે કેમ તે પણ શંકા છે. આ ઉપરાંત, કોંગ્રેસના કેટલાક દિગ્‍ગજો પણ આ વખતે ઘરભેગા થાય તેવી શકયતા છે, જેમાં જિગ્નેશ મેવાણી પણ સામેલ છે

આજના પરિણામ જોઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનું સ્‍થાન લેશે કે કેમ તે ચર્ચા પણ શરુ થઈ છે. આમ આદમી પાર્ટીની આ પહેલી ચૂંટણી હતી, અને તેમાં તેની જીત નથી જ થવાની તે સૌ કોઈ જાણતું હતું, બસ પક્ષના નેતાઓ જ તેનો સ્‍વીકાર કરવા તૈયાર નહોતા. આમ આદમી પાર્ટી સૌથી વધુ નુક્‍સાન કોંગ્રેસને જ કરશે તેવું પણ મનાતું હતું, અને તે સાચું પડતું પણ દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો તે જોતા તે લાંબા પ્‍લાનિંગ સાથે ગુજરાતમાં આવી છે તે સ્‍પષ્ટ છે, જ્‍યારે કોંગ્રેસ ૨૭ વર્ષમાં એક સારા વિપક્ષની ભૂમિકા પણ નથી ભજવી શકી ત્‍યારે આમ આદમી પાર્ટીની એન્‍ટ્રીથી હવે તો ગુજરાતમાં તેના અસ્‍તિત્‍વ સામે જ સવાલ ઉભો થયો છે.

(3:36 pm IST)