Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સંતાનોને સંપતિ આપતા પહેલા ગીફટ ડીડ બનાવોઃ સુપ્રીમ કોર્ટ

ગીફટ ડીડમાં ભરણપોષણ અને સારસંભાળની શરત રાખો

નવી દિલ્‍હી, તા.૮: સુપ્રીમ કોર્ટે એક રૂલીંગ આપતા કહ્યું છે કે મા-બાપે સંતાનોને સંપતિ આપતા પહેલા ધ્‍યાન રાખવુ જોઇએ કે ગીફટ ડીડમાં તેમની મોટી વયે તેમની સારસભાળ રાખવાની શરત લેખિતમાં રાખવી જોઇએ. અન્‍યથા જો તેમના બાળકો તેમની સારસંભાળ ના રાખે તો તે સંપતિ પાછી ના મેળવી શકાય.

જસ્‍ટીસ સંજય કૌલ અને એ એસ ઓકાની બેંચે મંગળવારે સીનીયર સીટીઝનોને મંગળવારે આ પ્રેકટીકલ સલાહ આપી હતી, જે સામાન્‍યતઃ પોતાની સ્‍વોપાર્જીત સંપતિ પોતાના સંતાનોને એ આશાએ આપી દેતા હોય છે કે તેઓ ઢળતી ઉંમરે તેમની સારસંભાળ રાખશે.

પોતાના સંતાનો દ્વારા તરછોડાયેલ દરેક માબાપને મેઇન્‍ટેનન્‍સ એન્‍ડ વેલ્‍ફેર ઓફ પેરન્‍ટસ એન્‍ડ સીનીયર સીટીઝન એકટ ૨૦૦૭ હેઠળ ટ્રીબ્‍યુનલમાં જવાનો હક્ક તો છે જ તે ઉપરાંત સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સંતાનોને ભેટ અપાયેલ સંપતિ પાછી મેળવવા બાબતે છે.

ચુકાદો લખતી વખતે જસ્‍ટીસ ઓકાએ ૨૦૦૭ના કાયદાની કલમ સુની અમલવારીની વાત કરતા કહ્યું કે આ કલમને અમલમાં મુકવા માટે બે શરતો પરિપૂર્ણ થવી જરૂરી છે. ૧. સંપતિની ટ્રાન્‍સફર ડીડમાં શરત હોવી જોઇએ કે સંપતિ મેળવનારે સંપતિ ભેટમાં આપનારની સામાન્‍ય સુવિધાઓ અને શારિરીક જરૂરીયાતો પરિપૂર્ણ કરવાની રહેશે. ૨. જો સંપતિ મેળવનાર આવી સુવિધાઓ અથવા જરૂરિયાતો પુરી પાડવાની ના પડે અથવા નિષ્‍ફળ રહે તો સંપતિ પાછી મેળવી શકાશે.

આ કેસમાં ગુડગાંવની એક માતાએ પોતાના સંતાનને કેટલીક સંપતિ ભેટમાં આપી હતી. પછી તેણીએ મેઇન્‍ટેનન્‍સ ટ્રીબ્‍યુનલમાં અરજી કરી કે તેના સંતાન તેની સારસંભાળ નથી રાખતા એટલે તેણે ભેટમાં આપેલ સંપતિ તેને પાછી આપવામાં આવે. ટ્રીબ્‍યુનલને તેણીએ મુકેલા આક્ષેપો સાચા લાગ્‍યા હતા અને મે ૨૦૧૮માં તેણે ગીફટ ડીડને કેન્‍સલ ગણવાનો હુકમ કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ ટ્રીબ્‍યુનલના નિર્ણયને માન્‍ય રાખ્‍યો હતો.જસ્‍ટીસ કૌલ અને ઓકાની બેંચે આ ચુકાદા એવું કહીને અમાન્‍ય ગણાવ્‍યો કે ગીફટ ડીડમાં સારસંભાળ માટેની કોઇ ખાસ શરત નથી લખવામાં આવી એટલે મહિલાએ પોતાના ત્રણ સંતાનો, બે દિકરીઓ અને એક દિકરીને આપેલી સંપતિ તેને પાછી ના આપી શકાય.

(11:27 am IST)