Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઇલેકટ્રીક વાહનોમાં ૧૫% ભાવ વધારાની શકયતા

સરકારના નવા નિયમોથી બેટરી મોંઘી થતા વાહન મોંઘુ થશે

નવી દિલ્‍હી, તા.૮: ઇલેકટ્રીક વાહનના ભાવો વધવાની શકયતા છે. ઇલેકટ્રીક વાહન ખરીદવાનો વિચાર કરી રહેલા લોકોને આગામી નાણાકીય વર્ષમાં ૧૫ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી શકે છે. તેનું સૌથી મોટુ કારણ બેટરીના વધી રહેલા ભાવો હશે. ઇલેકટ્રીક વાહનો માટે સુરક્ષા માપદંડો સહિત અન્‍ય નિયમોમાં હાલમાં જ કરાયેલ ફેરફારો પણ ભાવ વધારવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

સરકારે હાલમાં જ ઇલેકટ્રીક વાહનો માટે લઘુતમ સુરક્ષા માપદંડો સુનિશ્‍ચિત કરવા માટે બેટરી માટે સુધારેલા ટેસ્‍ટીંગ માપદંડો રજુ કર્યા છે. એટલે જો તમે આગામી નાણાકીય વર્ષ સુધી એક ઇલેકટ્રીક દ્વિચક્રી વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તમારે તમારૂ બજેટ ૫ થી ૧૫ ટકા વધારવુ પડશે કેમ કે ઘણા ઉત્‍પાદકો પડતરમાં વધારો ખરીદનારના ગજવા પર નાખશે.

ઇલેકટ્રીક વાહનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને સરકારે હાલમાં જ સુધારેલા ટેસ્‍ટીંગ માપદંડો તૈયાર કર્યા છે. નવી બેટરીના સુરક્ષા પ્રતિબંધોને બે તબક્કામાં વધારાયા છે, જેમાંથી પહેલુ ૧ ડીસેમ્‍બર ૨૦૨૨ સુધી લાગુ કરાયુ હતુ અને બીજું ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં પુરૂ કરવામાં આવશે.

બેંગ્‍લોર સ્‍થિત એક ડીપટેક કંપની લોગ ૯ મટીરયલ્‍સના સંસ્‍થાપક અક્ષય સિંઘલે કહ્યું કે ઇલેકટ્રીક (દ્વિચક્ર) વાહનોમાં પહેલાથી ગરબડ છે કેમ કે ઘણી બધી સસ્‍તી અને ઓછી ગુણવત્તાવાળી બેટરી બજારમાં મુકાઇ છે. નવા માપદંડો અનુસાર બેટરી ઉત્‍પાદન અને ઉપયોગથી નિશ્‍ચિત રીતે બેટરીઓના ભાવો વધશે. તેમણે કહ્યું કે સુરક્ષા વાલ્‍વ, તાપમાન સેન્‍સર, બીએમએસ જેવા મહત્‍વના ભાગોને બેટરીમાં જોડવામાં આવશે એટલે ઉત્‍પાદકોની પડતર કિંમતમાં વધારો થશે

(10:40 am IST)