Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

શ્રેણી ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો : ત્રીજી વનડેમાં રોહિત સહિત ત્રણ ખેલાડી બહાર

રોહિત, દીપક અને કુલદીપ આગામી મેચ રમશે નહીં.મુંબઈ પરત ફરશે : ટેસ્ટ સિરીઝ માટે ઉપલબ્ધ રહી શકશે કે નહીં? એક્સપર્ટ તપાસ કરશે 

મુંબઈ :બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સિરીઝ ગુમાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચાહર અને કુલદીપ સેન ઈજાને કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે. આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે.

ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો મુકાબલો આજે રમાયો હતો. તેમાં આ ત્રણેય ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. સાથે આ મેચમાં ભારતે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પ્રથમ વનડે બાંગ્લાદેશે 1 વિકેટથી જીતી હતી. આ રીતે સિરીઝ પર 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

આ સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. આ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવી ગયા છે. બીજી વનડે મેચમાં હાર બાદ કોચ રાહુલ દ્રવિડે માહિતી આપી છે. તેમણે કહ્યું- ચોક્કસપણે રોહિત, દીપક અને કુલદીપ આગામી મેચ રમશે નહીં. કુલદીપ અને દીપક સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. રોહિત પણ આગામી વનડે રમશે નહીં.

કોચ દ્રવિડે કહ્યુ- તે પરત મુંબઈ જશે, જ્યાં એક્સપર્ટ તેની તપાસ કરશે. ત્યારબાદ ખ્યાલ આવશે કે તે ટેસ્ટ સિરીઝ માટે ઉપલબ્ધ રહી શકશે કે નહીં. પરંતુ તે નક્કી છે કે ત્રણેય ખેલાડી આગામી વનડે રમશે નહીં.

રોહિતને આ ઈજા બાંગ્લાદેશની ઈનિંગની બીજી ઓવર દરમિયાન થઈ હતી. આ ઓવર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ ફેંકી રહ્યો હતો. રોહિત બીજી સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો.  દરમિયાન અનામુલ હકનો કેચ આવ્યો, જેને રોહિત પકડી શક્યો નહીં.આ દરમિયાન બોલ તેના ડાબા હાથના અંગુઠા પર વાગ્યો અને લોહી નિકળવા લાગ્યું હતું. ત્યારબાદ રોહિત સ્કેન માટે પણ ગયો હતો. મેચ બાદ રોહિતે કહ્યું કે ફેક્ચર નથી પરંતુ ટાંકા લેવામાં આવ્યા છે. 

(10:40 pm IST)