Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમેરિકા, રશિયા અને ઈઝરાયલે કહ્યું-CDS બિપિન રાવતના નિધનથી અમે એક સાચો મિત્ર ગુમાવ્યો છે

પાકિસ્તાન સહિત અન્ય દેશોએ પણ રાવત તથા અન્ય સૈન્ય કર્મીઓના નિધન પર દુખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી :દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત કુલ 13 લોકોના તમિલનાડુના કુન્નૂરમાં થયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. દુર્ઘટનામાં બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયુ છે. આ સૈન્ય હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના નિધન પર અમેરિકા, રશિયા અને ઇઝરાયલે કહ્યુ કે, તેમણે સાચો મિત્ર ગુમાવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સહિત અન્ય દેશોએ પણ રાવત તથા અન્ય સૈન્ય કર્મીઓના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. 

અમેરિકી દૂતાવાસે રાવત અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે, તેમણે દેશના પ્રથમ સીડીએસના રૂપમાં ભારતીય સેનામાં પરિવર્તનના એક ઐતિહાસિક દોરનું નેતૃત્વ કર્યુ. નિવેદનમાં કહેવામાં આવ્યું- તેઓ અમેરિકી સેનાની સાથે ભારતના રક્ષા સહયોગને એક મોટા વિસ્તારની દેખરેખ કરનાર સંયુક્ત રાજ્ય અમેરિકાના એક મજબૂત દોસ્ત અને ભાગીદાર હતા. દૂતાવાસે સપ્ટેમ્બર મહિનામાં સૈન્ય ડેવલોપમેન્ટ અને અવસરો પર ચર્ચા કરવા માટે તેમની અમેરિકી યાત્રાનો પણ ઉલ્લેખ કરતા કહ્યુ કે, તેમનો વારસો જારી રહેશે

રશિયાના રાજદૂત નિકોલે કુદાશેવે એક ટ્વીટમાં રાવતના નિધન પર દુખ વ્યક્ત કર્યુ અને કહ્યુ કે, ભારતે પોતાના મહાન દેશભક્ત અને સમર્પિત હીરો ગુમાવી દીધો છે. એક અન્ય ટ્વીટમાં કુદાશેવે કહ્યુ- રશિયાએ એક નજીકનો મિત્ર ગુમાવી દીધો, જેણે અમારી દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને વધારવામાં મોટી ભૂમિકા નિભાવી છે. ભારતની સાથે મળીને દુખ વ્યક્ત કરીએ છીએ. અલવિદા દોસ્ત! અલવિદા, કમાન્ડર..

ઇઝરાયલના રક્ષા મંત્રી બેની ગૈંટઝે રાવતને ઇઝરાયલી રક્ષા દળ અને ઇઝરાયલના રક્ષા પ્રતિષ્ઠાન પ્રત્યે સાચા સાથી ગણાવ્યા છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે, સીડીએસ રાવતે બંને દેશોની વચ્ચે સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં ખુબ યોગદાન આપ્યું. તેમણે ઇઝરાયલની રક્ષા સંસ્થાઓ તરફથી સંવેદના વ્યક્ત કરી અને સીડીએસ રાવત અને અન્યના મૃત્યુ પર વ્યક્તિગત દુખ પણ વ્યક્ત કર્યુ છે. 

ભારતમાં ઇઝરાયલના રાજદૂત અને પૂર્વ મિલિટ્રી અધિકારી નઓર ગિલોને કહ્યુ કે, હેલીકોપ્ટર દુર્ઘટનામાં રાવત અને અન્યના મોતથી શોક લાગ્યો છે અને તે દુખી છે. તેમણે કહ્યું કે, ઇઝરાયલના લોકો ભારતીય નાયકોના નિધનના શોકમાં ભારતના લોકો અને સરકારની સાથે ખભે ખભો મેળવીને ઉભા છે. 

 

(10:48 pm IST)