Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

શાસકોને માફી માગવાની ટેવ પડી ગઈ છે : શિવસેના

શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી કેન્દ્ર પર પ્રહાર : અમિત શાહે માફી માંગી છે પણ ચાર લીટીમાં શું નાગાલેન્ડની ઘટના પર ખેદ વ્યક્ત કરવો પૂરતો છેઃ શિવસેનાનો સવાલ

મુંબઈ, તા.૮ : શિવસેનાના મુખપત્ર સામનામાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઝાટકણી કાઢવામાં ના આવતી હોય છે.

હવે શિવસેનાએ દેશના શાસકોને માફી માંગવાની ટેવ પડી ગઈ છે તેવો ટોણો માર્યો છે.સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે, પહેલા ખેડૂત આંદોલન માટે પીએમ મોદીએ દેશની માફી માંગી હતી અને ત્યાં સુધીમાં ૮૦૦ ખેડૂતોના આંદોલનમાં મોત થઈ ચુકયા હતા.જોકે પીએમ મોદીએ માફી માંગી અને આ મુદ્દો ખતમ થઈ ગયો .

સામનામાં કહેવાયુ છે કે, આ જ રીતે નાગાલેન્ડમાં સુરક્ષાદળોના ફાયરિંગમાં નિર્દોષ નાગરિકોના મોત બાદ ગૃહ મંત્રી અમિત શાહે માફી માંગી છે અને નાગાલેન્ડની ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઈ ગયો છે.શાસકોને માફી માંગવાની ટેવ પડી ગઈ છે.માફી માંગીને છુટકારો મેળવી લેવાની સુવિધા બીજા લોકોને કેમ નથી મળી રહી.

શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે કે, અમિત શાહે માફી માંગી છે પણ ચાર લીટીમાં શું નાગાલેન્ડની ઘટના પર ખેદ વ્યક્ત કરવો પૂરતો છે...નાગાલેન્ડની ઘટનામાં તપાસનો આદેશ તો અપાયો છે પણ તેની જવાબદારી લઈને પ્રાયશ્ચિત કોણ કરશે?

શિવસેનાનુ કહેવુ છે કે, ગુપ્તચર એજન્સીઓની ખોટી જાણકારીના કારણ નાગાલેન્ડની ઘટના બની છે પણ આ જ રીતે અત્યાર સુધીમાં કાશ્મીરથી લઈને નાગાલેન્ડ સુધીમાં કેટલા નિર્દોષો માર્યા ગયા હશે તેનુ તો અનુમાન કરવુ પણ મુશ્કેલ છે.બોર્ડર એરિયામાં આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે.જોકે આ વખતે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે એટલે નાગાલેન્ડનો કેસ ચર્ચામાં આવ્યો છે.ગૃહ મંત્રીએ ગુપ્તચર એજન્સીઓને વધારે સક્ષમ બનાવવી પડશે અને આ એજન્સીઓને પોતાના વિરોધીઓની પાછળ લગાવવાની જગ્યાએ આતંકીઓ પાછળ લગાવે તો સુરક્ષાદળોને વધારે મદદ મળશે.

 

(7:43 pm IST)