Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બીએસએફની ગતિવિધિ પર નજર રાખવા માટે સુચના

નાગાલેન્ડમાં સુરક્ષાદળોના ગોળીબાર બાદ મમતા બેનર્જી સતર્ક : બીએસએફ પોલીસને જણાવ્યા વગર એવા અનેક ક્ષેત્રોમાં પણ જાય છે જે તેમના અધિકાર ક્ષેત્રની બહાર હોય છે

નવી દિલ્હી, તા.૮ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાડોશી દેશો સાથે સરહદ અડીને આવેલી હોય તેવા જિલ્લાઓની પોલીસને બીએસએફની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહ્યું છે. મમતા બેનર્જીએ નાગાલેન્ડમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. મમતા બેનર્જીએ મંગળવારે પોલીસને બીએસએફ દ્વારા તેમના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. વધુમાં કહ્યું કે, 'હું જાણંત છું કે, બીએસએફના જવાનો ગામોમાં ઘૂસે છે અને ઉત્પીડનની ફરિયાદો આવે છે. તેઓ પોલીસને જણાવ્યા વગર એવા અનેક ક્ષેત્રોમાં પણ જાય છે જે તેમના અધિકાર ક્ષેત્રની બહાર હોય છે.'

મમતા બેનર્જીએ મંગળવારે કરનાજોરા ખાતે ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર જિલ્લાઓની રિવ્યુ મીટિંગ કરી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, નાગાલેન્ડમાં જે બન્યું તે સૌએ જોયું છે. બંગાળના સિતલકુચી ખાતે વિધાનસભા ચૂંટણી દરમિયાન અને હવે કૂચબિહાર ખાતે ફાયરિંગમાં ૩ લોકોને મારી નાખવામાં આવ્યા. હું બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અને ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જને એલર્ટ પર રહેવા માટે કહીશ.

મમતા બેનર્જીએ ૪-૫ ડિસેમ્બરના રોજ નાગાલેન્ડના મોન જિલ્લામાં ફાયરિંગ દરમિયાન ૧૪ નાગરિકો માર્યા ગયા તેનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે કેન્દ્ર દ્વારા બીએસએફનું સત્તા ક્ષેત્ર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો તેનો પણ વિરોધ કર્યો હતો. તેઓ તેને રાજ્ય ક્ષેત્રમાં દખલ તરીકે ઠેરવી રહ્યા છે.

હકીકતે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બીએસએફ એક્ટમાં ફેરફાર કર્યો હતો. હવેથી બીએસએફ પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળમાં સરહદથી અંદરના ક્ષેત્રમાં સર્ચ અને અરેસ્ટ વગેરે કરી શકશે. પહેલા આ મર્યાદા ૧૫ કિમીની હતી.

(7:39 pm IST)