Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પશુ ચિકિત્સાલયના નિર્માણમાં સહયોગની કેટરિના કૈફ-વિકી કૌશલ ને વિનંતી

સિક્સ સેન્સિઝ ફોર્ટમાં ટપાલી ચિઠ્ઠી લઈને પહોંચ્યો : શ્રી રાધા ગોવિંદ પશુ ચિકિત્સાલયના કોષાધ્યક્ષે ચિઠ્ઠી મોકલી જેમાં ગૌશાળામાં આવવા આમંત્રણ પાઠવાયું

સવાઈ માધોપુર, તા.૮ : રાજસ્થાનનું સવાઈ માધોપુર હાલ વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને ચર્ચામાં છે. સવાઈ માધોપુર જિલ્લામાં આવેલી હોટેલ સિક્સ સેન્સિઝ ફોર્ટમાં વિકી અને કેટરિનાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ દરમિયાન એક ટપાલી વિકી અને કેટરિનાના નામની ચિઠ્ઠી લઈને ફોર્ટ પહોંચ્યો હતો.

બુધવારે વિકી અને કેટરિનાની હલદી સેરેમની યોજાવાની છે. ગુરુવારે કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે. જોકે, કપલના લગ્ન પહેલા લગ્નસ્થળે એક વિચિત્ર ઘટના બની. એક ટપાલી ટપાલ લઈને હોટેલ સિક્સ સેન્સિસ ફોર્ટ પહોંચ્યો હતો. એક બંધ કવરમાં ચિઠ્ઠી મૂકવામાં આવી હતી. જેના પર વિકી અને કેટરિનાનું નામ લખેલું હતું. ટપાલી આ ચિઠ્ઠી લઈને હોટેલની બહાર મુખ્ય રોડ પર પહોંચ્યો ત્યારે જ સુરક્ષાકર્મીઓએ તેને રોકી લીધો હતો. ટપાલી વિકી અને કેટરિના સુધી ટપાલ પહોંચાડવાની વાત કરી છતાં તેને અંદર જવા દેવાયો નહોતો. બહારથી જ સિક્યોરિટી ઈન્ચાર્જે ટપાલ લઈ લીધી હતી.

હકીકતે, વિકી અને કેટરિના માટે આ ચિઠ્ઠી શ્રી રાધા ગોવિંદ પશુ ચિકિત્સાલયના કોષાધ્યક્ષ વિષ્ણુ પ્રસાદ સિંઘલે મોકલી હતી. સાત ફેરા લીધા બાદ વિકી-કેટરિનાને સવાઈ માધોપુરની ગૌશાળામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.સાથે જ પશુ ચિકિત્સાલયના નિર્માણમાં સહયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત બળદ સંચાલિત વીજળી ઉત્પન્ન કરતું યંત્ર લગાવવા માટે પણ કપલને ચિઠ્ઠીમાં આગ્રહ કરવામાં આવ્યો હતો.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગૌશાળા પાસે ૨૮ વીઘા જમીન છે. લગ્ન કર્યા બાદ વિકી-કેટરિનાને અહીં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, સાથે જ ગૌપૂજન કરવાનું કહેવાયું છે. હોસ્પિટલ તેમજ વીજળી સંયંત્ર લગાવવા માટે સહાય કરવાની વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિકી-કેટરિનાના લગ્નને લઈને સિક્સ સેન્સિસ ફોર્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચોથ માતાના મંદિરથી લઈને ફોર્ટ સુધી રસ્તો બંધ કરી દેવાયો છે. જેના પગલે લોકો આ મંદિરે ૧૦ ડિસેમ્બર સુધી જઈ શકશે નહીં. ત્યારે લોકોને પડતી હાલાકી બદલ વિકી-કેટરિના અને આયોજકો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિકી-કેટરિનાના લગ્ન પ્રસંગો ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે. કપલ અને તેમનો પરિવાર ૬ ડિસેમ્બરે સવાઈ માધોપુર પહોંચ્યો હતો.

 

(7:37 pm IST)