Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ શ્રી બિપિન રાવત શહિદ : વાયુસેનાએ તેઓના નિધનની સત્તાવાર રીતે પુષ્ટિ કરી

આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ : હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 સેનાના અધિકારીઓ સવાર હતા: કુલ 13 લોકોના નિધન : એક ગંભીર:વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ એ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, તા.૮ : સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે કુન્નૂરમાં થઈ હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને તેમના પરિવારના કેટલાક સભ્યો પણ ક્રેશ થયેલા એરફોર્સના આ એમઆઈ૧૭-વી૫ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટરમાં કુલ ૧૪ લોકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૩ લોકોનાં મોત થયા છે.

દરમિયાન અગાઉના અહેવાલ અનુસાર તમિલનાડુમાં સેનાનું એમઆઈ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. તમામ ઘાયલોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં સવાર ૧૪ લોકોમાંથી ૧૩ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સરકાર ગુરુવારે સંસદમાં ક્રેશ થયેલા સૈન્ય હેલિકોપ્ટર એમઆઈ-૧૭ વી૫ વિશે માહિતી આપશે. તે જ સમયે, ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપ્યા છે.

તમિલનાડુમાં ક્રેશ થયેલા એમઆઈ-૧૭ વી૫ મિલિટરી હેલિકોપ્ટરમાં સવાર ૧૪ લોકોમાંથી ૧૩ લોકોનાં મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ ટેસ્ટ દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ અકસ્માતની જાણકારી લેવા માટે અકસ્માત સ્થળની મુલાકાત લેશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે સ્થાનિક વહીવટીતંત્રને બચાવ કામગીરીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં સીડીએસ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા. પરિવારજનોને મળ્યા બાદ થોડીવાર રોકાયા બાદ રક્ષા મંત્રી ત્યાંથી રવાના થયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ અકસ્માત વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, સીડીએસ જનરલ બિપિન રાવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી દુર્ઘટનાની જાણકારી લેવા સુલુર એરબેઝ માટે રવાના થઈ ગયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તમિલનાડુમાં ક્રેશ થયેલા મિલિટરી હેલિકોપ્ટરને લઈને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને અકસ્માતની જાણકારી આપી છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં કુલ ૧૪ લોકો સવાર હતા. તેમાં સીડીએસ    જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર, લાન્સ નાઈક બી સાઈ તેજા અને હવાલદાર સતપાલનો સમાવેશ થાય છે.

સીડીએસ બિપિન રાવત, તેમનો સ્ટાફ અને પરિવારના કેટલાક સભ્યો આર્મીના એમઆઈ-સિરીઝના હેલિકોપ્ટરમાં સવાર હતા જે તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે સીડીએસ બિપિન રાવત પોતાની પત્ની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો. વેલિંગ્ટનમાં સશસ્ત્ર દળોની કોલેજ છે જ્યાં સીડીએસ રાવતનું પ્રવચન હતું.

અકસ્માત સ્થળના કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે. તસ્વીરોમાં હેલિકોપ્ટરનો કાટમાળ સાથે ઊંચા ધુમાડા અને આગ પણ દેખાઈ રહી છે. આ તસવીરો જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે. એમઆઈ-૧૭ વી૫ એ એક મધ્યમ લિફ્ટ હેલિકોપ્ટર છે જે કર્મચારીઓ અને આર્મ ટ્રાન્સપોર્ટ, ફેઝર સપોર્ટ અને શોધ અને બચાવ મિશન માટે રચાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્રેશ થયેલું એરક્રાફ્ટ એમઆઈ-૧૭ વી૫ ભારતીય વાયુસેનાનું ખૂબ જ શક્તિશાળી હેલિકોપ્ટર માનવામાં આવે છે.

(7:53 pm IST)