Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

નિર્મલા સીતારમણ ભારતના સૌથી પાવરફૂલ મહિલા

Forbes એ દુનિયાની શકિતશાળી મહિલાઓની યાદી બહાર પાડી

નવી દિલ્હી, તા.૮: નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતના સૌથી પાવરફૂલ મહિલા બની ગયા છે. આંતરરાષ્ટ્રીય Forbes મેગેઝીને તેમને દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓમાં સામેલ કર્યા છે. આ યાદીમાં સીતારમણને ૩૭મું સ્થાન મળ્યું છે. અત્રે જણાવવાનું કે Forbes એ નિર્મલા સીતારમણને સતત ત્રીજીવાર 'દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓ'ની યાદીમાં સામેલ કર્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે યાદીમાં સારું સ્થાન મેળવતા અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને પાછળ છોડ્યા છે. Forbes એ દુનિયાની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની યાદીમાં નાયકાના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરને પણ સામેલ કર્યા છે. આ યાદીમાં તેમને ૮૮માં સ્થાન મળ્યું છે. નોંધનીય છે કે ફાલ્ગુની નાયર શેર બજારમાં પોતાની કંપનીની ધમાકેદાર શરૂઆત બાદ હાલમાં જ ભારતના સાતમા મહિલા અબજપતિ બન્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાલ્ગુની નાયર ઉપરાંત Forbes એ પોતાની યાદીમાં ભારતની વધુ એક મહિલાને સામેલ કરી છે. HCL Technologies ના ચેરપર્સન રોશની નાડરને યાદીમાં ૫૨મું સ્થાન મળ્યું છે. નાડર દેશની કોઈ આઈટી કંપનીને લીડ કરનારા પહેલા મહિલા અધિકારી છે. આ સાથે જ ફોર્બ્સની સૂચિમાં Biocon ના ફાઉન્ડર અને એકઝીકયુટીવ ચેરપર્સન કિરણ મજૂમદાર શોને પણ જગ્યા અપાઈ છે. તેમને ૭૨માં સ્થાને રાખવામાં આવ્યા છે.

દુનિયાના ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓની આ યાદીમાં મેકેન્ઝી સ્કોટને પહેલું સ્થાન મળ્યું છે. સ્કોટ દુનિયાના બીજા સૌથી અમીર વ્યકિત અને અમેઝોન ગ્રુપના માલિક જેફ બેજોસની પૂર્વ પત્ની છે. વર્ષ ૨૦૧૯માં બંનેના ડિવોર્સ થઈ ગયા હ તા. યાદીમાં બીજા નંબરે ભારતીય મૂળના અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ છે.

(3:48 pm IST)