Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

એન્જિનિયરિંગ સ્ટુડન્ટની કમાલ

માત્ર ૩૦ રૂપિયાના ખર્ચમાં ૧૮૫ KM ચાલતી ઈલેકિટ્રક કાર બનાવી

એક વાર ફૂલ ચાર્જ કરી લીધા બાદ તે ૧૮૫ કિમી સુધી ચાલી શકે છે

નવી દિલ્હી, તા.૮: ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને અહીંના લોકો એક વાર નક્કી કરી લે તો કંઈ પણ કરી શકે છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના સાગરમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હિમાંશુએ એક ઈલેકિટ્રક કાર બનાવી છે. હિમાંશુએ પોતાની લગન અને મહેનથી એક એવી ઈલેકિટ્રક કાર બનાવી છે કે જેને એક વાર ચાર્જ કર્યા પછી તે ૧૮૫ કિલોમીટર સુધી ચાલી શકે છે અને તેની પ્રતિ કિલોમીટર કોસ્ટ માત્ર ૧૬ પૈસા છે. એટલે કે તમે માત્ર ૩૦ રૂપિયાના ખર્ચે ૧૮૫ કિલોમીટર સુધી આ ઈલેકિટ્રક કાર ચલાવી શકો છો.

સાગરમાં રહેતા સ્ટુડન્ટ હિમાંશુ પટેલે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન એક પ્રોજેકટ હેઠળ પોતાની ઈલેકિટ્રક કાર ડેવલપ કરવાનું વિચારી રહ્યો હતો. પછી પાંચ મહિનાની સખત મહેનત બાદ તેણે એક એવી ઈલેકિટ્રક કાર બનાવી કે જે નાની કાર જેવી દેખાય છે. તેમાં મોટાભાગે મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિમાંશુનું કહેવું છે કે, આ પ્રોજેકટ કારને ડેવલપ કરવામાં લગભગ ૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આખી દુનિયામાં જયારે ઈલેકિટ્રક વ્હિકલ્સની ડિમાન્ડ વધી રહી છે, ત્યારે આ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવેલી ઈલેકિટ્રક કાર સૌનું ધ્યાન ખેંચી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાગરના રહેવાસી હિમાંશુની ઈલેકિટ્રક કારમાં પાંચ લોકો મુસાફરી કરી શકે છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની ટોપ સ્પીડ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ખર્ચમાં સસ્તી ઈલેકિટ્રક કારને ફૂલ ચાર્જ કરવામાં ચાર કલાકનો સમય લાગે છે. એક વાર ફૂલ ચાર્જ કરવાનો ખર્ચ માત્ર ૩૦ રુપિયા છે. હિમાંશુની આ ઈલેકિટ્રક કારના ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં રિમોટથી કંટ્રોલ થતા સ્ટાર્ટ અને સ્ટોપ ફંકશનની સાથે રિવર્સ મોડ, ઈલેકટ્રોનિક સ્પીડ મીટર, બેટરી પાવર મીટર, ફાસ્ટ ચાર્જર, ઈલેકિટ્રકલ સેફ્ટી માટે ફ્યૂઝ સિસ્ટમ અને એન્ટી થેફ્ટ અલાર્મ જેવી ખાસિયતો પણ છે.

(10:51 am IST)