Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભારતમાં વધુ પ્હોળી થઇ અમીર - ગરીબ વચ્ચેની ખાઇ

ભારત સૌથી વધુ અસમાનતા અને ગરીબ દેશોમાં સામેલ થયુ : ટોચના ૧ ટકા લોકો પાસે રાષ્ટ્રીય આવકના ૨૨ ટકા સંપત્તિ : ભારતમાં વ્યસ્ક વસ્તીની સરેરાશ આવક રૂ. ૨,૦૪,૨૦૦ : નીચલા વર્ગની (૫૦ ટકાની) આવક રૂ. ૫૩૬૧૦ : બાકીના ૧૦ ટકા વસ્તીની આવક આનાથી લગભગ ૨૦ ગણી વધુ

નવી દિલ્હી તા. ૮ : દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ પહોળી થતી જાય છે. ૨૦૨૧માં દેશની કુલ રાષ્ટ્રીય આવકનો ૨૨ ટકા હિસ્સો ફકત ૧ ટકા લોકોના હાથમાં છે. બીજી તરફ નીચલા વર્ગની અડધી વસ્તી કુલ રાષ્ટ્રીય આવક ૧૩.૧ ટકા કમાણી કરે છે. આ માહિતી વિશ્વ અસમાનતા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં આર્થિક સુધારાઓ અને ઉદારીકરણનો મોટાભાગનો લાભ ટોચના એક ટકા લોકોને મળ્યો છે.

દુનિયાભરમાં અસમાનતા પર સાબિતીઓ આધારિત રિસર્ચ કરતી ફ્રાંસની વિશ્વ અસમાનતા લેબ દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં બહુ ગરીબી અને અસમાનતા છે, જ્યારે અહીં એક વર્ગ પાસે અખૂટ સંપત્તિ છે.

આ રિપોર્ટને વિશ્વ અસમાનતા લેબના આસીસ્ટન્ટ ડાયરેકટર લુકસ ચાંસેલે તૈયાર કર્યો છે. જેમાં ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટી વગેરેએ મદદ કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં એક ટકા અમીરો પાસે દેશની કુલ આવકના ૨૨ ટકા છે. ટોચના ૧૦ અમીરો પાસે કુલ આવકના ૫૭ ટકા છે.

૨૦૨૧માં ભારતમાં વયસ્ક વસ્તીની સરેરાશ રાષ્ટ્રીય વાર્ષિક આવક ૨,૦૪,૨૦૦ રૂપિયા રહી છે. જો કે રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે સરેરાશ રાષ્ટ્રીય આવક અસમાનતાને ઢાંકી દે છે. ૨૦૨૦માં ટોચના ૧૦ ટકા અને નીચલા વર્ગની ૫૦ ટકા વસ્તી વચ્ચેનું આવકનું અંતર ૧ થી ૨૨ ટકા રહ્યું.

રિપોર્ટથી ખબર પડી છે કે ભારત વિશ્વમાં સૌથી વધારે અસમાનતા વાળા દેશોમાંથી એક છે. બ્રિકસ દેશોમાં દક્ષિણ આફ્રીકા અને બ્રાઝીલમાં ભારત કરતા ઘણી વધારે અસમાનતા છે. દક્ષિણ આફ્રીકામાં ટોચના ૧૦ ટકા અને નીચલા વર્ગના ૫૦ ટકાની આવકમાં ૬૩ ટકાનું અંતર છે. જ્યારે બ્રાઝીલમાં તે ૨૯ ટકા છે. ચીન અને રશિયામાં આ અંતર ૧૪ ટકા છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વની કુલ વસ્તીના ૧૦ ટકા અમીરો પાસે અત્યારે વૈશ્વિક આવકની ૫૨ ટકા આવક આવે છે. જ્યારે નીચલા વર્ગના ૫૦ ટકા વસ્તીના ભાગે ૮.૫ ટકા આવક જ આવે છે.

જો કે ૨૦૧૮ વિશ્વ અસમાનતા રિપોર્ટમાં પણ ભારતના ટોચના ૧ ટકા પાસે કુલ આવકનો ૨૨ ટકા હિસ્સો જતો હતો અને ૨૦૧૪માં ટોચના ૧૦ ટકાના હાથોમાં લગભગ ૫૬ ટકા આવક હતી. આનો અર્થ એ છે કે આવકનું વિતરણ ત્યારથી માંડીને અત્યાર સુધી લગભગ સરખું જ છે. ભારતમાં સંપત્તિની વાત કરીએ તો અસમાનતાની ખાઇ વધુ પહોળી થતી જાય છે. નીચલા વર્ગના ૫૦ ટકા પરિવારો પાસે લગભગ નહીંવત સંપત્તિ છે. મધ્યમ વર્ગ પણ અપેક્ષા કૃત ગરીબ છે અને તેમની પાસે કુલ સંપત્તિનો ૨૯.૫ ટકા હિસ્સો છે. જ્યારે ટોચના ૧૦ ટકા પાસે ૬૫ ટકા અને ૧ ટકાના હાથમાં કુલ સંપત્તિના ૩૩ ટકા છે.

દેશમાં લોકોની સરેરાશ સંપત્તિ ૪,૨૦૦ ડોલર છે. મધ્યમ વર્ગની સરેરાશ સંપત્તિ ૨૬૪૦૦ ડોલર (૭,૨૩,૯૩૦ રૂપિયા) છે. ટોચના ૧૦ ટકા લોકો પાસે સરેરાશ ૨,૩૧,૩૦૦ ડોલર (૬૩.૫૪ લાખ રૂપિયા) અને એક ટકા પાસે સરેરાશ ૬૧ લાખ ડોલર (૩૨.૪૪ કરોડ રૂપિયા) છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં અસમાનતાનું સ્તર બ્રીટીશરાજની સરખામણીમાં ઘણું વધી ગયું છે. તે સમયે ટોચની ૧૦ ટકા વસ્તી પાસે કુલ રાષ્ટ્રીય આવકના લગભગ ૫૦ ટકા હતા. આઝાદી પછી આ ભાગીદારી ઘટીને ૩૫ થી ૪૦ ટકા પર આવી ગઇ હતી. ૧૯૮૦ના દાયકાના મધ્યથી ઉદારીકરણની નીતિઓથી દુનિયાભરમાં આવક અને સંપત્તિની અસમાનતા વધી છે. આર્થિક સુધારાઓથી સૌથી વધુ લાભ ટોચના ૧ ટકા લોકોને થયો છે. જ્યારે મધ્યમ અને ઓછી આવકવાળા લોકોને તેનો ઓછો લાભ મળ્યો અને ગરીબોની સ્થિતી જેમની તેમજ રહી. રિપોર્ટમાં સરકાર દ્વારા જાહેર કરાતા આંકડાઓની પારદર્શકતા પર પણ વિરોધી ટીપ્પણી કરાઇ છે.

(10:17 am IST)