Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું કોંગ્રેસમાંથી રાજીનામું

ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક આંચકો : નાઈકના રાજીનામાની સાથે ૪૦ સભ્યોની વિધાનસભામાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની સખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ

પણજી, તા.૭ : ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા છે.જોકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ પહેલા ઓકટોબર મહિનામાં પણ ગોવાના પૂર્વ સીએમ લુઈજિન્હો ફલેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટી જોઈન કરી હતી નાઈકના રાજીનામાની સાથે જ ૪૦ સભ્યોની વિધાનસભામાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની સખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ છે.

  આ પહેલા રવિ નાઈકના બે પુત્રો ગયા વર્ષે ભાજપમાં સામેલ થઈ ચુકયા છે. નાઈક હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ગોવાના ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડનવિસની હાજરીમાં ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. ૨૦૧૭માં જ્યારે ગોવામાં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ ૧૭ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી.જોકે ભાજપે ૧૩ બેઠકો જીતીને બીજી પાર્ટીઓ સાથે જોડાણ કરીને સરકાર બનાવી હતી. ૨૦૧૯માં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યોએ એક સાથે પાર્ટી છોડી દીધી હતી.હવે કોંગ્રેસના માત્ર ત્રણ ધારાસભ્યો રહ્યા છે.

(12:00 am IST)