Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

દિલ્હીમાં કોરોનાના વધતા કેસ, લોકડાઉન નહીં થાય

દેશમાં ઓમિક્રોનના કેસમાં ઝડપી વધારો : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ૨૭ લોકો એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી ૧૭ કોવિડ પોઝિટિવ છે

નવી દિલ્હી, તા.૭ : ભારતમાં ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવા છતાં દેશમાં ઓમિક્રોન પ્રવેશી ગયો છે. આવામાં દિલ્હીમાં વધતા કોરોનાના કેસને જોતા લોકડાઉનની અટકળો લગાવવામાં આવી રહી હતી. જેના પર સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, કુલ ૨૭ લોકો એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી ૧૭ કોવિડ પોઝિટિવ છે. એક વ્યક્તિમાં ઓમિક્રોનની પુષ્ટી થઈ છે. બાકી લોકોની તપાસ ચાલુ છે. હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં ઘણાં એવા પણ કેસ છે કે જેમનામાં કોઈ લક્ષણ નથી. સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' ફોલો કરશે. તેમણે કહ્યું કે હાલ લોકડાઉનની કોઈ સંભાવના નથી. જ્યારે સંક્રમણનો દર ૦.૫% એટલે કે ૧ હજારની સામે ૫ લોકો પોઝિટિવ આવવાના શરુ થશે ત્યારે પહેલો તબક્કો શરુ થશે. બીજો તબક્કો ૧% પર એટલે કે ૧૦૦૦ સામે ૧૦ લોકો પોઝિટિવ આવવા પર શરુ કરાશે. ત્રીજો તબક્કો ૧૦૦૦ પર ૨૦ લોકો પોઝિટિવ આવવાના શરુ થશે ત્યારે શરુ થશે. સંક્રમણનો દર ૫% પર પહોંચ્યા પછી વધારે કડકાઈ રખાશે. હાલ દિલ્હીમાં સંક્રમણ ઘણું નીચું છે માટે લોકડાઉનની જરુર નથી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ ઘણો ઝડપથી ફેલાય છે અને આવી સ્થિતિમાં વધારે સાવધાની રાખવાની જરુર છે. તેમણે લોકોને અપીલ કરી કે વાયરસ દરેક વેરિયન્ટથી બચવા માટે બધારે માસ્ક જરુર પહેરવું જોઈએ અને રસીનો બીજો ડોઝ ના લીધો હોય તો જલદી લેવો જોઈએ. દિલ્હીમાં ૯૩.૯% લોકો વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચુક્યા છે. બીજો ડોઝ ૬૧.૩% કરતા વધુ લોકો લઈ ચુક્યા છે. વેક્સીન લઈ લીધી હોય તેમણે પણ સાવધાની રાખવાની જરુર છે. કોરોનાની બીજી લહેર દરમિયાન જે સ્થિતિ ઉભી થઈ હતી તેવી સ્થિતિનું ફરી

નિર્માણ ના થાય તે માટે અલગ-અલગ હોસ્પિટલોમાં તૈયારી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે બેડ્સ, દવાઓ અને સાધનોની વ્યવસ્થાની કરી છે. કેજરીવાલે જણાવ્યું છે કે ઓમિક્રોનથી ગભરાવાની જરુર નથી તેઓ આ મામલે સતત નજર રાખી રહ્યા છે. આ સાથે લોકોને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ તરફ ગુજરાતમાં પણ હોસ્પિટલોમાં તૈયારી અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી પહેલા કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા હતા, જે પછી ગુજરાતના જામનગરમાં એક કેસ નોંધાયો હતો. આ પછી મહારાષ્ટ્ર, જયપુર અને દિલ્હીમાં કેસ નોંધાયા જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧૦ અને જયપુરમાં ૯ કેસ નોંધાયા છે. આ સિવાય પણ જે શંકાસ્પદ કેસ છે તેમના જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

(12:00 am IST)