Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

કેટ-વિકી વિરુદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ :લગ્નને કારણે ચૌથ માતાના મંદિર તરફ જવાનો રસ્તો 7 દિવસ સુધી બંધ રહેશે

ફરિયાદમાં કહેવાયું આગામી 7 દિવસ સુધી મંદિર બંધ રહેતાં શ્રદ્ધાળુઓને ઘણી જ તકલીફનો સામનો કરવો પડશે

મુંબઈ : અભિનેત્રી કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે. સોમવાર, 6 ડિસેમ્બરના રોજ બંને વિરુદ્ધ રાજસ્થાનમાં ફરિયાદ થઈ છે. આ ફરિયાદ રાજસ્થાનાન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં દાખલ કરવામાં આવી છે. કેટ તથા વિકી સવાઈ માધોપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં છે. આ હોટલ સવાઈ માધોપુરના ચૌથના બરવાડામાં આવેલી છે. અહીં જ પ્રસિદ્ધ ચૌથ માતાનું મંદિર છે, પરંતુ કેટ-વિકીના લગ્નને કારણે મંદિર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ફરિયાદ આ રસ્તો બંધ કરવા અંગેની છે.

રાજસ્થાનના એડવોકેટ નેત્રબિંદુ સિંહ જાદૌને કેટરીના, વિકી કૌશલ, સવાઈ માધોપુરના કલેક્ટર તથા હોટલ સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કેટરીના તથા વિકીના લગ્નને કારણે પ્રસિદ્ધ ચૌથ માતાના મંદિર તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી આ રસ્તો બંધ રહેશે. આ રસ્તેથી રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આગામી 7 દિવસ સુધી મંદિર બંધ રહેતાં શ્રદ્ધાળુઓને ઘણી જ તકલીફનો સામનો કરવો પડશે.

ચૌથ માતા હિંદુ ધર્મનાં દેવી છે. તેઓ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે. ચૌથ માતાના પ્રાચીન મંદિરમાંથી એક મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુરના ચૌથના બરવાડા ગામમાં અરવલ્લી પર્વત પર આવેલું છે. આ મંદિર 1451માં રાજા ભીમ સિંહે બનાવ્યું હતું. 568 વર્ષ જૂનું આ મંદિર 1000 ફૂટની ઊંચાઈએ બનેલું છે. દર્શન માટે ભક્તોએ 700 પગથિયાં ચઢવા પડે છે. ગામમાં ચર્ચા છે કે વિકી-કેટ પણ લગ્ન બાદ માતાનાં દર્શને જશે.

(1:17 am IST)