Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોન દુનિયાના 47થી વધુ દેશમાં ફેલાયો: દક્ષિણ આફ્રિકામાં કેસ 700 ગણા વધતા ફફડાટ

અમેરિકા અને યુરોપનાં દેશોમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થતા હાહાકાર :બ્રિટનમાં એક જ દિવસમાં ઓમિક્રોનનાં 90 કેસ મળ્યા

નવી દિલ્હી : સાઉથ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન હવે 47 કરતા વધુ દેશમાં ફેલાયો છે. ઓમિક્રોન સંક્રમિત કોઈ દર્દીનું હજી સુધી મૃત્યુ થયું નથી. અલબત્ત તે ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને યુરોપનાં અનેક દેશોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપનાં દેશોમાં કોમ્યુનિટી સ્પ્રેડ વધી રહ્યું છે. તમામ દેશો તે કેટલો ગંભીર છે તે જાણવા સંશોધન કરી રહ્યા છે.

હાલની વેક્સિન તેની સામે કેટલી અસરકારક છે તેનું રિસર્ચ કરાઈ રહ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ તે વધુ ઘાતક નહીં હોવાનું જાણવા મળ્યું છે આમ છતાં અનેક પ્રયોગો હાથ ધરાયા છે. થાઈલેન્ડમાં એક અમેરિકન નાગરિકમાં ઓમિક્રોનનું સંક્રમણ જણાયું છે. જ્યારે નેપાળમાં બે કેસ આવ્યા છે જેમાં એક વ્યક્તિ નેપાળી અને બીજો વિદેશી છે.

સાઉથ આફ્રિકામાં કેસમાં એક જ અઠવાડીયામાં 700 ગણો ઉછાળો આવ્યો છે. ગયા અઠવાડીયે સોમવારે કુલ કેસની સંખ્યા 2300 હતી જે શુક્રવારે વધીને 16000 થઈ ગઈ હતી. જેમાં ઓમિક્રોન સંક્રમિત કેટલા છે તે જાણી શકાયું નથી પણ 70 ટકાથી વધુ કેસ ઓમિક્રોનનાં હોવાનું માનવામાં આવે છે.

આખા વિશ્વમાં કોરોનાથી 26.69 કરોડ લોકો સંક્રમિત થયા છે. 52.81 લાખનાં મોત થયા છે. 24 કરોડ કરતા વધુ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 2.11 કરોડને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 4.69 લાખથી વધુ કેસ નોંધાયા છે. 5795નાં મોત થયા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને 5 કરોડને પાર કરી ગયો છે. 8.10 લાખનાં મોત થયા છે.

(12:32 am IST)