Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

અનાજ મંડી અગ્નિકાંડ બાદ ફેક્ટરી માલિકની અટકાયત

લાપરવાહી અને બિનઇરાદે હત્યાનો કેસ દાખલ : આઈપીસીની જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધીને ચકાસણી

નવી દિલ્હી, તા. ૮ : દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગની ઘટનામાં ૪૪ લોકોના મોત થયા બાદ મોડી સાંજે ફેક્ટરીના માલિક રેહાનની પોલીસે ધરપકડ કરી લીધી હતી. સવારના અગ્નિકાંડની ઘટના બન્યા બાદ ફેક્ટરી માલિક ફરાર થઈ ગયા હતા. જોકે મોડી સાંજે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જે ફેક્ટરીમાં આગ લાગી હતી તે ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલી રહી હતી. ફેક્ટરીના માલિક રેહાન ઉપર આઈપીસીની કલમ ૩૦૪ અને ૨૮૫ (લાપરવાહી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કલમ ૩૦૪નો ઉપયોગ બિન ઇરાદા સાથે હત્યા માટે કરવામાં આવે છે. આવા મામલામાં દોષિત જાહેર થવાની સ્થિતિમાં દસ વર્ષ જેલની સજા અથવા તો આજીવન કારાવાસની સજા કરવામાં આવે છે. જુની દિલ્હીના ફિલ્મિસ્થાન વિસ્તારમાં ગેરકાયદે રીતે ઘરમાં ફેક્ટરીઓ ચાલી રહી છે. બીજીબાજુ કેટલીક ઈમારત માપ દંડ કરતા ઉચી બનાવવામાં આવી છે.

                ફેક્ટરી ચલાવવા માટે ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવાની જરૂર પડે છે પરંતુ અહીંની ફેક્ટરીઓમાં આવી કોઈ એનઓસી લેવામાં આવી ન હતી. અહીંની શેરીઓ ખુબ જ સાંકડી છે. કલ્પના કરી શકાય છે જ્યારે ઈમારત નાની હોય ત્યારે કઈ રીતે ઘટનાની સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરી શકાય છે. પ્રથમ નજરમાં લાગે છે કે, સોર્ટ સકીટના કારણે આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાના કારણે વધુ મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. ઇમારતના માલિકની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેની સામે ઝીણવટપૂર્વક તપાસ શરૂ થઈ ચુકી છે.

(7:43 pm IST)