Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

જાનની બાજી લગાવી રાજેશે ૧૧ મજદુરને બચાવી લીધા

ભીષણ આગ વચ્ચે ઈમારતમાં તરત ઘુસી ગયા : આગમાં ફસાઈ ગયેલા તમામ લોકો માટે એક એક પળ જીવલેણ થઈ રહ્યા હતા ત્યારે રાજેશ દેવદુત બની પહોંચ્યા

નવી દિલ્હી,તા.૮ : પાટનગર દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આજે વહેલી પરોઢે આગમાં ૪૪ લોકોના મોત થઈ ગયા હતા. આગ અંગેની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ૩૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભીષણ અગ્નિકાંડ વચ્ચે ફાયરબ્રિગેડે તેની જોરદાર કામગીરી હાથ ધરી હતી. ધુમાડા અને આગની ઘટનામાં ફસાયેલા લોકો માટે એક એક પળ જીવલેણ સાબિત થઈ રહ્યા હતા. ત્યારે ફાયરબ્રિગેડના એક જવાને પોતાની જાનની બાજી લગાવીને ૧૧ લોકોને બચાવી લીધા હતા. રિયલ હિરો બની ચુકેલા રાજેશ નામના કર્મીની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે. ખાસ બાબત એ છે કે, આગ લાગવાની ઘટના અંગે માહિતી મળ્યા બાદ સૌથી પહેલા ફાયરબ્રિગેડની ટુકડી પહોંચી ત્યારે સૌથી પહેલા ઈમારતમાં રાજેશ શુકલા ઘુસી ગયા હતા. પોતાની જાનની ચિંતા કર્યા વગર દેવદુત બનીને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. રાહત કામગીરી દરમિયાન તેમને પગમાં ઈજા થઈ હતી. હવે તેમને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમના સાહસની દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ પ્રસંશા કરી છે.

આ ગાળા દરમિયાન દિલ્હીના મંત્રી ઈમરાન હુસૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈને ટ્વિટ કરીને કહ્યું છે કે, ફાયરબ્રિગેડના કર્મી રાજેશ શુકલા અસલી હિરો છે. તેમના સાહસને અમે સલામ કરે છે. દિલ્હી અગ્નિકાંડની ઘટનામાં ફાયરબ્રિગેડની ભૂમિકાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. ખુબ જટિલ સ્થિતિ હોવા છતાં ફાયરબ્રિગેડે સમયસર પહોંચી જઈને મોટી સંખ્યામાં લોકોને બચાવી લીધા હતા.

(7:41 pm IST)