Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઉન્નાવ : રેપની પિડિતાની ગામમાં દફનવિધિ કરાઈ

બહેનને સરકારી નોકરી, ભાઈને હથિયાર લાયસન્સ : પરિવારના સભ્યોને ૨૪ કલાક માટે સલામતી પુરી પડાઈ

ઉન્નાવ, તા. ૮ : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના રેપ બાદ જીવતી સળગાવી દેવામાં આવેલી યુવતીના મૃતદેહને આજે ગામમાં દફન કરવામાં આવતા સુરક્ષા રાખવામાં આવી હતી. દફનવિધી વેળા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેટલાક કઠોર નિર્ણયો આ સંદર્ભમાં જારી કર્યા છે. પિડિતાના પરિવારના લોકો શનિવારે મોડી સાંજે મૃતદેહ દિલ્હીથી આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોલાવવાની માંગ કરી રહ્યા હતા. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કલાકો સુધી સમજાવવામાં આવ્યા બાદ પરિવારના સભ્યો માની ગયા હતા. દફનવિધી વેળા ઉપસ્થિત હજારો લોકો ભાવનાશીલ બન્યા હતા. દોષિતોને કઠોર સજા કરવાની માંગ તમામ લોકો કરી રહ્યા હતા.

            બીજી બાજુ સરકારે જાહેરાત કરી છે કે, પિડીતાની બહેનને સરકારી નોકરી અને ભાઈને હથિયાર માટે લાયસન્સ આપવામાં આવશે. આ પહેલા પિડિતાના પિતાએ જાહેરાત કરી હતી કે, તેઓ પોતાની પુત્રીના અગ્નિસંસ્કાર કરશે નહીં. બલકે દફનવિધિ કરશે. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાની પુત્રીને હવે વધુ સળગાવવા ઈચ્છુક નથી. તેમની પુત્રી પહેલાથી જ સળગી ચુકી છે. સઘન સુરક્ષા વચ્ચે આજે બપોરે પિડિતાની ગામની બહારના વિસ્તારમાં ખાલી પડેલા મેદાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. બીજી બાજુ લખનૌના કમિશ્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પિડીતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારને આવાસ પણ આપવામાં આવ્યું છે.

પિડિતાના પરિવારને ૨૫ લાખ સુધીનું વળતર પણ મળી ચુક્યું છે. પિડિતાની બહેન અને પરિવારને સભ્યોને ૨૪ કલાકની સુરક્ષા આપનાર છે. હથિયાર લાયસન્સ પણ આત્મરક્ષણ માટે અપાઈ રહ્યા છે.

(9:28 pm IST)