Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઉન્નાવ રેપ પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા અને ઘર આપવા યોગી આદિત્યનાથની જાહેરાત

સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના માટે કરશે ભલામણ : પીએમ આવાસ યોજનામાં ઘર આપશે

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના ભલામણ પણ કરશે. ઉત્તર પ્રદેશ સરકારે પીડિતાના પરિવારને પીએમ આવાસ યોજનામાં ઘર આપવાની પણ જાહેરાત કરી છે.
દરમિયાન  પીડિતાના પિતાએ કહ્યું હતું કે, 'તેમના પરિવારમાં માત્ર પુત્રી જ હતી જે ન્યાય માટે લડતી હતી. અવાજ ઉઠાવ્યો હતો. તે એકલી પરિવારની સુરક્ષા માટે ઝઝૂમી રહી હતી. તેના મૃત્યુ પછી હવે અમને ન્યાય મળવાની આશા નથી. અમને પણ હવે જિવતા સળગાવી દેવામાં આવશે.

             પીડિતના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, 'અમે અમારી પુત્રીનું મોંઢુ પણ જોઈ ન શક્યા.' પરિવાર ઈચ્છેછે કે તેમની પુત્રીના આરોપીઓને સખતમાં સખત સજા થાય. આરોપીઓએ અમારા પરિવારને હેરાન કર્યો છે.
              અત્રે ઉલ્લેખનીય છેકે, ઉન્નાવ પીડિતાએ બે દિવસ સુધી જિંદગી સામે જંગ લડ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. રાત્રે 11 વાગીને 40 મિનિટ પર તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઉન્નાવની નિર્ભયાને 90 ટકા બળી ગયેલી હાલતમાં લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડવામાં આવી હતી. ગુરુવારે એરલિફ્ટ કરીને દિલ્હી ખસેડાયા બાદ રાત્રે નવ વાગ્યા સુધી તેણી ભાનમાં હતી. સફદરગંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી રેપ પીડિત યુવતી જ્યાં સુધી ભાનમાં હતી ત્યાં સુધી પૂછતી રહી કે, "હું બચી તો જઈશ ને, હું જીવતી રહેવા માંગું છું. મારા દોષિતોને છોડશો નહીં.

(10:36 am IST)