Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ઉન્નાવ ઘટનાને લઇને દેશમાં ગમ અને ગુસ્સાનું વાતાવરણ

રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ : દેશના વિવિધ ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન થયું : ઇન્ડિયા ગેટ પર દેખાવો દરમિયાન પોલીસે પાણીનો મારો ચલાવ્યો

નવીદિલ્હી, તા. ૭ : ઉન્નાવમાં જીવિત સળગાવી દેવામાં આવેલી રેપ પીડિતાના મોતથી દેશમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે. એકબાજુ કાયદો અને વ્યવસ્થાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર પ્રહાર થઇ રહ્યા છે. બીજી બાજુ ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ તેને ઇન્સાફ આપવાની માંગને લઇને રાજઘાટથી લઇને ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાજ લોકોએ બેરિકેડ તોડી નાંખ્યા હતા. દેખાવ કરી રહેલા લોકોને અંકુશમાં લેવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. પીડિતાના પરિવારને પહેલાથી જ વળતર આપવાની જાહેરાત થઇ ચુકી છે. બીજી બાજુ આ મામલામાં પ્રતિક્રિયા આપતા સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે, નરાધમોને ચાર રસ્તા પર પોલીસે જીવતા સળગાવી દેવા જોઈએ.

            કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું છે કે, બળાત્કારીઓ માટે મૃત્યુદંડથી કઠોર સજા કંઇપણ હોઈ શકે નહીં. સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે, ન્યાયિક પ્રક્રિયા મોંઘી થઇ ગઈ છે. ગરીબોથી દૂર થઇ ચુકી છે. અગાઉ ઉત્તરપ્રદેશના ઉન્નાવ રેપ કેસની પીડિતાને જીવિત સળગાવી દેવાના મામલામાં પીડિતાના મોત બાદ ઉત્તરપ્રદેશ સરકારે પીડિતાના પરિવારને ૨૫-૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ પીડિતાના પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

          વળતરના એલાન ઉપરાંત મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવાની પણ માંગ કરવામાં આવી છે. રેપ પીડિતાની સાથે મારામારી બાદ તેને જીવિત સળગાવી દેવામાં આવી હતી. હાલત બગડી ગયા બાદ પીડિતાને સફદરજંગ હોસ્પિટલમાં દિલ્હી ખસેડવામાં આવી હતી જે દરમિયાન પીડિતાનું મોત થઇ ચુક્યું છે. તે પહેલા પીડિતાના મોત બાદ યોગી આદિત્યનાથના નિર્દેશ ઉપર બે મંત્રી કમલરાની વરુણ અને સ્વામી પ્રસાદ મોર્ય ઉન્નાવ પહોંચ્યા હતા. બીજી બાજુ દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. યુપીથી લઇને દિલ્હી સુધી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિતના વિસ્તારોમાં દેખાવો લોકો દ્વારા કરાયા હતા. મોડી રાત્રે પીડિતાના મૃતદેહને તેના આવાસ પર લઇ જવાયો હતો.

(10:36 am IST)