Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સરકારી નોકરી માટેના કોચિંગ કલાસનો ગુજરાતમાં ૫૦૦ કરોડનો ધીકતો ધંધો

૮૦,૦૦૦ જેટલી સરકારી નોકરીઓમાં ભરતી થઇ રહી હોવાના કારણે યુવાનોને સરકારી નોકરી મેળવવાનું પોતાનું સપનુ પુરૃં કરવાની તક મળી રહી છેઃકલાસમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે ઘણીવાર નિવૃત્ત્। કે નોકરી ચાલુ હોય તેવા કલાસ ૧ અધિકારીઓ પણ આવતા હોય છે : કલાસ ઉપરાંત, હોસ્ટેલ, રિડિંગ રૂમ, લાઈબ્રેરી, રિડિંગ મટિરિયલ જેવી સવલતો પૂરી પડાય છેઃ :અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તેમજ અન્ય સેન્ટરોની ગણતરી કરીએ તો લાખો સ્ટૂડન્ટ્સ પરીક્ષાની તૈયારી કરવા કલાસમાં જતા હશે : ૨૫-૩૫ ટકા ઉમેદવારો એવા હોય છે કે દરેક પરીક્ષામાં પાસ થતા હોય છે

અમદાવાદ તા. ૮ : દસ વર્ષના અંતર બાદ ગુજરાતમાં પહેલીવાર જીપીએસસી દ્વારા કલાસ ૧ અને ૨ની ભરતી ૨૦૧૧માં આવી હતી. જોકે, ૨૦૧૪થી ગુજરાત સરકાર મોટાપાયે ભરતી કરી રહી છે. જેમાં ૨૦૧૬-૧૭માં જ એકસાથે ૧૭,૫૩૨ LRDની ભરતી કરાઈ હતી, આ પ્રમાણ ગુજરાત પોલીસ ફોર્સના ૧૫ ટકા જેટલું હતું.

૮૦,૦૦૦ જેટલી સરકારી નોકરીઓમાં ભરતી થઈ રહી હોવાના કારણે યુવાનોને સરકારી નોકરી મેળવવાનું પોતાનું સપનું પૂરું કરવાની તક મળી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે કે જેમને સરકારી નોકરી તો નથી કરવી પરંતુ તેનાથી તેમને મોટો લાભ મળી રહ્યો છે. આ વર્ગ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા શિક્ષકો અને કોચિંગ કલાસના માલિકો.

સરકારમાં કોઈ મોટી ભરતી આવે કે તરત જ લોકો મોટા પ્રમાણમાં આવા કોચિંગ કલાસમાં જોડાય છે. કલાસમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટે ઘણીવાર નિવૃત્ત્। કે નોકરી ચાલુ હોય તેવા કલાસ ૧ અધિકારીઓ પણ આવતા હોય છે. કલાસ ઉપરાંત, હોસ્ટેલ, રિડિંગ રુમ, લાઈબ્રેરી, રિડિંગ મટિરિયલ જેવી સવલતો પૂરી પાડવાનો પણ ગુજરાતમાં વર્ષનો ૫૦૦ કરોડ રુપિયાનો ધંધો છે.

પોતાના કોચિંગ કલાસ ચલાવતા પ્રફુલ ગઢવીનું કહેવું છે કે, માત્ર ગાંધીનગર જેવા નાન શહેરમાં માં જ ૧૭૨ જેટલા કોચિંગ કલાસ આવેલા છે, જેમાં ૨૦,૦૦૦ જેટલા સ્ટુડન્ટ્સ સરકારી નોકરીની ભરતીની પરીક્ષા પાસ કરવાનું કોચિંગ લઈ રહ્યાં છે. જો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તેમજ અન્ય સેન્ટરોની ગણતરી કરીએ તો લાખો સ્ટૂડન્ટ્સ પરીક્ષાની તૈયારી કરવા કલાસમાં જતા હશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા આ કલાસિસ વર્ષની સરેરાશ ૩૦,૦૦૦ રુપિયા ફી લે છે. ગાંધીનગરમાં કલાસ-૩ની પરીક્ષા બે વાર પાસ કરી ચૂકેલા, પરંતુ નોકરી ન લેનારા એક શિક્ષકનું કહેવું છે કે નોકરી કરતા કલાસમાં કમાણી વધુ છે.

ગુજરાતમાં કેટલીક જ્ઞાતિઓમાં તો એવી જોક પણ કરાય છે કે, તલાટીને છોકરી મળી જાય પણ સોફટવેર એન્જિનિયરને ન મળે. આ શિક્ષકનું કહેવું છે કે, ઘણાય યુવાનો સરકારી નોકરી કરતા પોતાના સગા-સંબંધીઓને જોઈ સરકારી નોકરી લેવા પ્રેરાતા હોય છે. લોકોને એવું લાગે છે કે સરકારી નોકરી એટલે એક પ્રકારની સત્તા. જોકે, કમનસીબ વાત એ છે કે લોકો ભલે મોટી સંખ્યામાં પરીક્ષામાં બેસતા હોય, અને કલાસમાં જતા હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થતા ઉમેદવારોનું એનાલિસિસ કરવામાં આવે તો ૨૫-૩૫ ટકા ઉમેદવારો એવા હોય છે કે દરેક પરીક્ષામાં પાસ થતા હોય છે. તેઓ પોતાની ચાલુ સરકારી નોકરી છોડી નવી સરકારી નોકરીમાં જોડાય છે. આવા કિસ્સામાં ભરતીની લાંબી પ્રક્રિયા રાજીનામાંને કારણે નકામી સાબિત થતી હોય છે.(૨૧.૨૬)

 

(4:14 pm IST)