Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રોબર્ટ વાડ્રાની ઓફીસના દરવાજા તોડીને ઇડી અધિકારીઓ ઘુસ્યા હતા

સીસીટીવી કેમેરા તોડી નાખ્યાઃ ઓફીસ ખેદાન-મેદાન કરીઃ કર્મચારીઓને ૧૪ કલાક ગોંધી રાખ્યાઃ વાડ્રાના વકીલ કહે છે વાડ્રાને ડરાવવાનો રાજકીય પ્રયાસ

નવીદિલ્હી,તા.૯:  સોનિયા ગાંધીના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાઢરાની દિલ્હી ખાતેની કંપનીની ઓફિસ પર ગઈકાલે સવારના ૧૧ વાગ્યાથી પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ શરૂ કરેલી દરોડાની કામગીરી મઘરાત સુધી ચાલી હતી. જેમાં ઈડીએ કંપનીના કર્મચારીઓેને પણ ૧૩ થી ૧૪ કલાક ગોંધી રાખી પુરાવા મેળવવા કાર્યાવાહી કરી હોવાનો એક વકીલે આક્ષેપ કર્યો છે. એક અહેવાલ મુજબ ઈડીની ટીમ મઘરાત બાદ ત્રણ વાગે પરત ગઈ હતી.

સંરક્ષણ સોદામાં કેટલાંક લોકો દ્વારા કથિત લાંંચની રકમ લેવાને લગતા કેસને લઈને ઈડીએ આ દરોડા પાડયા હોવાનું બહાર આવ્યુ છે. જેમાં બિઝનેસમેન રોબર્ટ વાઢરા અને તેની કંપનીઓ સાથે સંકળાયેલા કેટલાંક એકમો પર દરોડાની કાર્યવાહી થઈ હતી.જે ગઈકાલે લગભગ ૧૬ કલાક ચાલી હતી.આ અંગે સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીના કંપનીના વકીલ તબરેજે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે ઈડીની ટીમના અધિકારીઓ દિલ્હી ખાતે આવેલી વાઢરાની કંપનીની ઓફિસના દરવાજાને તોડી કંપનીમાં ધુસી ગયા હતા.જ્યાં ઓફિસમાં રહેલા કર્મચારીઓને પણ ૧૩ થી ૧૪ કલાક રૂમમાં પુરી રાખવામા આવ્યા હતા.આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્ચુ હતુ કે ઈડીની ટીમના સ્ટાફે ઓફિસમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા બાદમાં ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી.તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈડીની ટીમે કેબિનના તમામ તાળા તોડી નાખ્યા હતા.આ ઉપરાંત ઈડીની ટીમ ઓફિસમાં આવી હતી ત્યારે તેમણે તેમની ઓળખ પણ આપી નહતી.પંરતુ બાદમાં અમને સાંજે જાણ થઈ હતી કેઆ ટીમ ઈડીના અધિકારીઓની છે.ઈડીએ વાઢારાના ત્રણ સ્થળો પર દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.જોકે દરોડામાં શું હાથ લાગ્યુ તે અંગે જાણકારી મળી નથી.(૪.૫)

 

(4:11 pm IST)