Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પેપર લીક, વાયબ્રન્ટ સમિટ અને પેટા ચૂંટણી અંગે મોદી-રૂપાણી વચ્ચે યોજાઇ ૨.૫ કલાકની મેરેથોન બેઠક

૧૦૦થી વધુ દેશોમાંથી ડેલિગેશન આવી રહ્યા છે : આ વખતે આપણે આફ્રિકા ડે ઉજવી રહ્યા છે

નવી દિલ્હી તા. ૮ : આગામી જાન્યુઆરીમાં ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું રાજય સરકારે આયોજન કર્યું છે. ત્યારે તેની તૈયારીઓ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે દિલ્હી ગયા હતા. જયાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાયબ્રન્ટ સમિટ માટે તેમનું માર્ગદર્શન મેળવવા બેઠક કરી હતી.

નોંધનીય છે કે તેમની વચ્ચે આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પીએમ મોદી અને સીએમ રૂપાણી સાથેની મિટિંગમાં મુખ્ય મુદ્દાઓ વાયબ્રન્ટ સમિટ, લોક રક્ષક દળ પેપર લીક અને જસદણની પેટા ચૂંટણીઓ રહ્યાં હતાં.

પીએમ મોદી સાથે યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, અગ્ર સચિવ એમ.કે.દાસ, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા અને ઇન્ડેક્ષ્ટ-બીના એમ.ડી. રાજકુમાર બેનિવાલ પણ જોડાયા હતાં.

આ બેઠક અંગે વાત કરતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'રાજયમાં જાન્યુઆરીમાં નવમી વખત વાયબ્રન્ટ સમિટ યોજાવવા જઇ રહી છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સારી મદદ મળી રહી છે. વાયબ્રન્ટ સમિટ અંગેની પીએમ મોદી સાથે વિસ્તારમાં ચર્ચા થઇ. ૧૦૦થી વધુ દેશોમાંથી ડેલિગેશન આવી રહ્યાં છે. આ વખતે આપણે આફ્રિકા ડે ઉજવી રહ્યાં છે. ગુજરાતમાંથી આફ્રિકામાં એકસપોર્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ વધારવાનાં પ્રયત્નો થવાનાં છે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારોને પણ વધુ સારી તક મળે તે માટે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે.'

આ ઉપરાંત તેમણે શોપિંગ ફેસ્ટિવલ અંગે વાત કરતા જણાવ્યું કે, 'ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ શ્નદ્ગફ્રત્ન અનોખું આયોજન કરાયું છે. અમદાવાદમાં તા.૧૬ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં અમદાવાદનાં બધા નાના મોટા ટ્રેડર ભાગ લેવાનાં છે.'

તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'આ સમિટમાં ૩૦ હજારથી વધારે ડેલિગેટ્સ ભાગ લેવાનાં છે. ઉપરાંત ૧૨થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવવાનાં છે.'

કાર્યક્રમનાં ઉદ્ઘાટન અંગે વાત કરતા જણાવ્યું કે,  'અમે આજે વડાપ્રધાન મોદીને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરે તેવું આમંત્રણ આપ્યું છે. દુનિયાભરનાં જે રાષ્ટ્રપતિ, મંત્રી આવી રહ્યાં છે તેમની સાથે પણ તેઓ મિટિંગ કરશે.' (૨૧.૨૯)

(4:02 pm IST)